ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ગંભીર અપરાધીક ઘટનાઓ વચ્ચે મૃત્યુ દંડની સજા ફટકારતાં ચૂકાદાઓમાં પણ વૃધ્ધિ થઇ છે. છેલ્લા 8 મહિનામાં 11 કેસમાં 50 વ્યક્તિઓને ફાંસીની સજા ફટકારતા ચૂકાદા આપવામાં આવ્યા છે.1960માં ગુજરાતની સ્થાપના બાદ એક જ વર્ષમાં ફાંસીના આ સૌથી ચૂકાદા છે.
50માંથી 38 આરોપીને મૃત્યુદંડની સજા એક જ કેસમાં ફટકારવામાં આવી છે. 2008નાં શ્રેણીબધ્ધ બોંબ ધડાકાના કેસમાં ખાસ અદાલતે 38 દોષિતોને ફાંસી ફટકારી હતી. 2022 સુધીમાં સૌથી વધુ ફાંસીના 13 ચૂકાદા 2011માં આપવામાં આવ્યા હતા તે વખતે 2002ના ગોધરા કાંડમાં આ સજા ફટકારવામાં આવી હતી.
- Advertisement -
આ એક જ કેસમાં સીટની કોર્ટે 11 આરોપીઓને ફાંસી ફટકારી હતી અને અન્ય 20ને આજીવન કારાવાસનો હુકમ કર્યો હતો. જો કે ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે 11 આરોપીઓની ફાંસી જન્મટીપમાં ફેરવી નાખી હતી.
2006થી 2021 દરમિયાન 50 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી તેમાં અપીલ દરમિયાન હાઈકોર્ટે માત્ર ચાર જ કેસમાં આ સજા માન્ય રાખી હતી. ડીસેમ્બર-2019માં સુરતની ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા નિપજાવવાના કેસમાં અનિલ યાદવ નામના આરોપીની સજા માન્ય રાખવામાં આવી હતી.
2010માં 2002ના અક્ષરધામ હુમલા કેસમાં આદમ અજમેરી, મુફરી અબ્દુલ, ક્યુમ મન્સુરી અને ચાંદ ખાનની ફાંસીની સજા યથાવત રાખવામાં આવી હતી. જો કે 2014માં સુપ્રિમ કોર્ટે તેઓને મુક્ત કર્યા હતા.
- Advertisement -