રાજસ્થાનમાં ‘મૃતક શરીર સન્માન એક્ટ’ લાગુ
નવા નિયમો લાગુ થતાં હવે મૃતદેહ પર રાજનીતિ કરનારા નેતાઓ અને સંબંધીઓને પણ સજા થશે: હોસ્પિટલો ડેડબોડી જબરદસ્તી રાખી શકશે નહીં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જયપુર, તા.8
રાજસ્થાનમાં અગાઉની ગેહલોત સરકારના સમયમાં બનેલા ’રાજસ્થાન મૃતક શરીર સન્માન અધિનિયમ’ના નિયમો હવે લાગુ કરી દેવામાં આવ્યા છે. આ કાયદા હેઠળ હવે ડેડ બોડી સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવા, મૃતદેહ પર રાજનીતિ કરવા કે વગર કારણે અંતિમ સંસ્કાર ન કરવા બદલ એક વર્ષથી લઈને 5 વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ છે. નિયમોના નોટિફિકેશન પછી હવે કાયદાની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવી પોલીસ માટે સરળ બની ગઈ છે. આ કાયદાના દાયરામાં મૃતકના પરિજનોથી લઈને વિરોધ પ્રદર્શન કરનારા નેતાઓ પણ આવશે.
રસપ્રદ બાબત એ છે કે, આ બિલ જ્યારે 2023માં કોંગ્રેસ શાસન દરમિયાન વિધાનસભામાં પસાર થઈ રહ્યું હતું, ત્યારે ભાજપના તત્કાલીન વિરોધ પક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડે તેનો સખત વિરોધ કર્યો હતો અને તેને ’અવાજને દબાવનારો કાયદો’ ગણાવ્યો હતો. જોકે, વર્તમાન ભાજપ સરકારે હવે કોઈ ફેરફાર કર્યા વિના તેના નિયમો લાગુ કરી દીધા છે.
સજા અને સમય મર્યાદાની જોગવાઈ
- Advertisement -
અંતિમ સંસ્કારની ફરજ: પરિજનોએ ડેડ બોડી ફરજિયાતપણે લઈ લેવી પડશે અને 24 કલાકમાં તેના અંતિમ સંસ્કાર કરવા પડશે. આમ ન કરવા પર પોલીસ મૃતદેહને કબજામાં લઈને અંતિમ સંસ્કાર કરાવી શકશે.
પરિવારજનો માટે સજા: જો પરિવારજનો ડેડ બોડી લેવાનો ઇનકાર કરે તો તેમને એક વર્ષની સજા થઈ શકે છે. મૃતકના પરિવારનો સભ્ય જો ડેડ બોડીનો ઉપયોગ વિરોધ માટે કરે છે અથવા કોઈને આવું કરવાની મંજૂરી આપે છે, તો તેને 2 વર્ષ સુધીની સજા થઈ શકે છે.
નેતાઓ/અન્ય લોકો માટે સજા: જો કોઈ નેતા કે અન્ય લોકો (જે સગા ન હોય તેવા) મૃતદેહ સાથે પ્રદર્શન કરશે તો તેમને 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
વિલંબ માટે છૂટ: અંતિમ સંસ્કારમાં વિલંબ ત્યારે જ થઈ શકશે, જ્યારે સંબંધીઓ બહારથી આવવાના હોય અથવા પોસ્ટમોર્ટમ કરવાનું હોય.
હોસ્પિટલો માટે કડક નિયમો અને લાવારિસ મૃતદેહોનું વ્યવસ્થાપન
નવા નિયમો લાગુ થવાથી હવે હોસ્પિટલો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થઈ શકશે, જેમ કે હોસ્પિટલ જબરદસ્તીથી ડેડ બોડી રાખી શકશે નહીં. કાયદામાં લાવારિસ મૃતદેહોના સન્માન અને ગોપનીયતા જાળવવા માટે પણ વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે:
ગોપનીયતા ભંગ પર સજા: લાવારિસ મૃતદેહોની ગોપનીયતા ભંગ કરવા પર તેના માટે ઓછામાં ઓછી 3 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષ સુધીની સજા અને દંડ થશે.
સન્માનજનક વ્યવસ્થા: આવા મૃતદેહોને ડીપ ફ્રીઝરમાં રાખવામાં આવશે અને પુરુષ-મહિલાના મૃતદેહને અલગ-અલગ રાખવા પડશે.
ડીએનએ ડેટા બેંક: લાવારિસ મૃતદેહના પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી થશે. જેનેટિક ડેટાની માહિતી ડીએનએ પ્રોફાઇલિંગથી લેવામાં આવશે અને તેનો જિલ્લાવાર ડિજિટલ ડેટા બેંક બનાવવામાં આવશે.



