ખેતમજૂરની બાળકી પર હુમલો; ઘટના બાદ વન વિભાગે દીપડાને પકડવા કવાયત હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
સાવરકુંડલા પંથકમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામની સીમ વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં દીપડાના હુમલાથી પાંચ વર્ષની બાળકીનું મોત થયું છે.
મનોજભાઈ બડમતીયાની વાડીમાં કામ કરતા પરપ્રાંતીય ખેતમજૂરની બાળકી ચૂટકી શેરુભાઈ પારડીયા (ઉ.વ. 5) પર દીપડાએ હુમલો કરતાં બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ દુર્ઘટનાના પગલે આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતક બાળકીના મૃતદેહને પી.એમ. અર્થે વંડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી છે.