કચેરીની 100 મીટરની ત્રિજ્યામાં મહત્તમ 3 વાહનો લાવી શકાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
- Advertisement -
જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણી તથા વિધાનસભા પેટા ચૂંટણી માટે તા.12 થી 19 એપ્રીલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
આ જાહેરનામા મુજબ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ઉમેદવાર સહિત 5 વ્યક્તિઓને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની તથા મદદનીશ ચૂંટણી અધિકારી, જૂનાગઢની ચેમ્બરમાં પ્રવેશ કરી શકશે. તેવી જ રીતે 85-માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી, વંથલી તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદારશ્રી, વંથલીની ચેમ્બરમાં ઉમેદવારી ફોર્મ રજૂ કરવા ઉમેદવાર સહિત 5 વ્યક્તિ પ્રવેશ કરી શકશે.
આ લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના અનુસંધાને ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કલેક્ટર કચેરી,જૂનાગઢ તથા પ્રાંત અધિકારીની કચેરી જૂનાગઢ ઉપરાંત વિધાનસભા પેટા ચૂંટણી માટે પ્રાંત અધિકારી કચેરી વંથલી અને મામલતદારની કચેરી વંથલીની 100 મીટરની ત્રિજ્યામાં વધુમાં વધુ 3 વાહનો જ લાવી શકાશે. આમ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે.આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.