જિલ્લામાં સારો વરસાદ વરસતાં ધરતીપુત્રોમાં ખુશી છવાઇ
જૂનાગઢમાં ધીમીધારે બપોર સુધી 1 ઇંચ વરસાદ વરસ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં અતિભારે વરસાદ પાડવાની આગાહીના પગલે જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરુ થયો છે. આજ સવારથી જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વરસાદનું આગમન થયું હતું અને સમગ્ર તાલુકામાં 1 થી 5 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ત્યારે ખેડૂતોએ અગતરું આયોજન કરી વાવણી કરનાર ખેડૂતો માટે કાચું સોનુ વરસ્યું હતું જયારે જે ખેડૂતોએ 15 જુના આસપાસ વાવણી કરી હતી તેવા ખેડૂત માટે પણ સારા વરસાદના લીધે આનંદ છવાયો છે. આજ સવારથી જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છવાતા વિસાવદરમાં 5 ઇંચ વરસાદ વરસતા નદી – નાળા અને ચેકડેમો સાથે તળાવમાં નવા નીર આવ્યા હતા જયારે કેશોદ, માળીયાહાટીના અને માંગરોળમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા માત્ર બે કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા જયારે જૂનાગઢ, વંથલી, ભેસાણ અને મેંદરડામાં ધીમીધારે 1 ઇંચ વરસાદ વરસ્યો હતો આમ જૂનાગઢ જિલ્લામાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી અને જિલ્લાના અનેક ડેમોમાં નવા નીરની અવાક થતા પીવાના અને સિંચાઈના પાણી માટે સારા સમાચાર સામે આવ્યા છે.
- Advertisement -
જૂનાગઢમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો હતો અને છુટોછવાયો ઝરમર વરસાદ પડ્યો હતો પણ આજે સવારથી વરસાદી માહોલ વચ્ચે ધીમીધારે 1 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા અને લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો તેની સાથે ગિરનાર અને દાતારના પહાડો પર પણ વરસાદ વરસતા પહાડો પરથી ઝરણાં શરુ થયા છે. જેમાં વિલિગ્ડન ડેમ અને હસ્નાપુર ડેમમાં નવા નીરની અવાક જોવા મળી હતી જયારે શાપુર વિયર ડેમ ફરી છલકાયો હતો આમ જિલ્લામાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે અને ધરતીપુત્રો માટે સારો વરસાદ વરસતા ખેતી પાકને ખુબ ફાયદો થયો છે.
ગિરનાર રોપ-વે શરૂ કરીને ફરી બંધ કરવો પડ્યો
ગિરનાર રોપ-વે ઘણા લાંબા સમયથી ભારે પવનના લીધે બંધ રાખવામાં આવ્યો હતો જયારે આજે ફરી સવારે વાતવરણ ખુલ્લું થતા રોપ-વે શરુ કરાયો હતો ત્યારે 10 વાગ્યા આસપાસ અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને ભારે પવન અને વરસાદી વાતાવરણના કારણે ગીરનાર રોપવે ફરી બંધ કરી દેવામાં આવ્યો હતો જેમાં સવારે ગિરનાર રોપ-વે ત્રણ કલાક માટે શરુ કરાયો હતો પણ ત્યાર બાદ વરસાદી વાતાવરણ અને પવનની ગતિ તેજ થતા ફરી રોપ-વે બંધ કરવામાં આવ્યો હતો અને જો વાતાવરણ સારું થશે તો રોપ-વે શરુ કરવામાં આવશે.