જમીન સંપાદનનો ભાગ ન આપવા કબૂલાતનામા પર બોગસ સહી કરી નાખી
સુરત રહેતા બહેનના પતિએ ભાઈઓ સહીત આઠ સામે નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જેતપુરના ચારણ સમઢીયાળા ગામની જમીન સંપાદનના 5 કરોડ બહેનને નહિ આપી સગા ભાઈઓએ જ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ જેતપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. સુરત ખાતે વેપાર કરતા કેશુભાઈ મોહનભાઈ પીપળીયા ઉ.61એ પોતાની પત્ની સવિતાબેનના આઠ સગા-સંબંધીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મૂળ ગોંડલના સુલતાનપુર ગામના વતની અને હાલ સુરત રહેતાં કેશુભાઈ મોહનભાઇ પીપળીયાએ ધનજીભાઈ બાવાભાઈ મોવલીયા, સમજુબેન જીણાભાઈ મોવલીયા, રિધ્ધિશ જીણાભાઈ મોવલીયા, જસ્મીનબેન અમીતકુમાર રાદડીયા, કૃતિબેન જીણાભાઈ મોવલીયા, રૈયાભાઈ બાવાભાઈ મોવલીયા, જયંતિભાઈ બાવાભાઈ મોવલીયા અને ભુરાભાઈ બાવાભાઈ મોવલીયા સામે જેતપુર તાલુકા પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમના પત્ની સવિતાબેનના પિતાની જમીન સુરવો ડેમ સિંચાઈ યોજનામાં સંપાદન થવાની હતી. આ જમીનના વળતરની રકમ સવિતાબેનને ન મળે અથવા ઓછી મળે તેવા બદ ઈરાદાથી તેમના જ ભાઈઓ અને પરિવારજનોએ 1998થી 2024 દરમિયાન આખું ષડયંત્ર રચ્યું હતું રેવન્યુ રેકર્ડથી લઈ બેંક સુધી આ કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હતો આરોપીઓએ કથિત રીતે 1970ની સાલની એક બોગસ વહેંચણી નોંધ રેકર્ડ પણ ઉભી કરી હતી આ નોંધ મુજબ, જયારે અમુક ભાઈઓની ઉંમર માત્ર 7 થી 13 વર્ષની હતી, ત્યારે જ જમીનની વહેંચણી થઈ ગઈ હોવાનું દર્શાવાયું હતું, જે ગેરકાયદેસર હતું. આ નોંધ પાછળથી રેકર્ડ પર ચડાવી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. સવિતાબેનના પિતાના અવસાન બાદ, વારસાઈ નોંધમાં તેમનું નામ દાખલ કરી, તરત જ એક બોગસ કબૂલાતનામાના આધારે તેમનું નામ કમી કરી દેવાયું હતું.
- Advertisement -
આ કબૂલાતનામા પર સવિતાબેનની બોગસ સહી અને બનાવટી હોવાનો એફએસએલનો સ્પષ્ટ રિપોર્ટ પણ ફરિયાદ સાથે પુરાવા તરીકે રજૂ કરાયો છે. આરોપીઓએ સવિતાબેનનો વિશ્વાસ કેળવી, કેસના કાગળોની આડમાં તેમની પાસે ખોટી રીતે પાવર ઓફ એટર્ની તથા બેંકના કોરા ચેકો પર સહીઓ કરાવી લીધી હતી આ જ ચેકોનો દુરુપયોગ કરી, આરોપીઓએ બેંકમાંથી વળતર પેટે આવેલી અંદાજે 5 કરોડની રકમ સવિતાબેનની જાણ બહાર ઉપાડી લઈ વિશ્વાસઘાત કર્યો હતો જેતપુર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.



