વિદેશ મંત્રાલય અનુસાર, આ પ્રવાસ ઘાનાથી શરૂ થશે. ઘાનાથી, પ્રધાનમંત્રી કેરેબિયન રાષ્ટ્ર ત્રિનિદાદ અને ટોબેગો જશે અને પછી આર્જેન્ટિના જશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવાર – 2 જુલાઈથી 9 જુલાઈ સુધી પાંચ દેશોના પ્રવાસની શરૂઆત કરવા માટે તૈયાર છે. ઘાનાથી શરૂ થનારો આ પ્રવાસ પ્રધાનમંત્રીની લગભગ 10 વર્ષમાં સૌથી લાંબી રાજદ્વારી મુલાકાત હશે.
- Advertisement -
30 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન ઘાનાની મુલાકાત લેશે
પીએમ મોદીનો પ્રવાસ ઘાનાથી શરૂ થશે. 30 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન ઘાનાની મુલાકાતે જશે. આ દરમિયાન પીએમ મોદી ઘાનાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને મળશે અને ઘાનાની સંસદને સંબોધિત કરશે. આ પછી તેઓ ત્રિનિદાદ-ટોબૈગો, આર્જેન્ટિના અને બ્રાઝિલ જશે. તેઓ બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં ભાગ લેશે અને ત્યારબાદ તેઓ નામિબિયા પહોંચશે. આ તેમની નામિબિયાની પહેલી મુલાકાત હશે. ભારત આ દેશો સાથે ઘણા આર્થિક અને રાજદ્વારી કરારો કરી શકે છે.
ઘાના (2-3 જુલાઈ)
- Advertisement -
વડાપ્રધાન મોદીની આ ઘાનાની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. ત્રણ દાયકાથી પણ વધુ સમય બાદ કોઈ ભારતીય વડાપ્રધાન ઘાનાની મુલાકાત લઈ રહ્યા છે. ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામાએ વર્ષ 2015માં ભારત-આફ્રિકા ફોરમ સમિટ માટે ભારતની મુલાકાત લીધી હતી.
ઘાના પશ્ચિમ આફ્રિકાના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક છે. ભારતને ઘાનાના નિકાસ માટેના સૌથી મોટા ભાગીદારોમાંનો એક ગણવામાં આવે છે. ઘાનામાંથી ભારતમાં થતી આયાતમાં 70% થી વધુ હિસ્સો સોનાનો છે. વડાપ્રધાન મોદી દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરવા અને આર્થિક, ઊર્જા, સંરક્ષણ અને વિકાસ સહયોગ દ્વારા તેને વધુ મજબૂત કરવાના માર્ગો પર રાષ્ટ્રપતિ મહામા સાથે ચર્ચા કરશે.
ત્રિનિદાદ-ટોબૈગો (3-4 જુલાઈ)
વડાપ્રધાન મોદી ઘાના બાદ કેરેબિયન દેશ ત્રિનિદાદ-ટોબૈગોની (T&T) મુલાકાત લેશે. T&Tની 40-45% વસ્તી ભારતીય મૂળની છે અને અહીંના વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસેસર તેમજ રાષ્ટ્રપતિ ક્રિસ્ટિન કાર્લા કંગાલૂ પણ ભારતીય મૂળના જ છે.
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની T&Tની આ પ્રથમ મુલાકાત હશે, અને 1999 પછી કોઈ પણ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. વડાપ્રધાન મોદી ગયા વર્ષે નવેમ્બર 2024માં પણ અન્ય કેરેબિયન દેશ ગયાનાની મુલાકાત લીધી હતી.
આઠ મહિનામાં કેરેબિયન ક્ષેત્રની આ તેમની બીજી મુલાકાત ભારત માટે આ પ્રદેશના વધતા મહત્ત્વને દર્શાવે છે. આ મુલાકાત ત્રિનિદાદ-ટોબૈગોમાં ભારતીય પ્રવાસીઓના આગમનના 180 વર્ષ પૂરા થવાના અવસરે યોજાઈ રહી છે. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક સંબંધોમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે, જેમાં નાણાકીય વર્ષ 2024-25માં કુલ વેપાર $341.61 મિલિયન સુધી પહોંચ્યો છે.
આર્જેન્ટિના (4-5 જુલાઈ)
57 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાનની મુલાકાત લેશે. આ પહેલાં વર્ષ 1968માં ઈન્દિરા ગાંધીએ આર્જેન્ટિનાની મુલાકાત લીધી હતી. પીએમ મોદી આર્જેન્ટિનામાં રાષ્ટ્રપતિ જેવિયર માઈલીને મળશે. આ મુલાકાત દરમિયાન, બંને નેતાઓ સંરક્ષણ, કૃષિ, માઈનિંગ, તેલ અને ગેસ, ઊર્જા જેવા ક્ષેત્રોમાં ભાગીદારી વધારવાના માર્ગો પર ચર્ચા કરશે. બંને નેતાઓ નવેમ્બર 2024માં રિયો ડી જાનેરોમાં G-20 શિખર સંમેલન દરમિયાન મળ્યા હતા.
ભારત અને આર્જેન્ટિનાએ ખનિજ સંસાધન ક્ષેત્રે, ખાસ કરીને લિથિયમમાં દ્વિપક્ષીય સહયોગ નોંધપાત્ર રીતે આગળ વધાર્યો છે, જે ભારતની ગ્રીન એનર્જી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ ઉપરાંત, આર્જેન્ટિના ભારતને સોયાબીન અને સૂરજમુખી તેલનો મુખ્ય સપ્લાયર છે. વર્ષ 2024માં ભારત આર્જેન્ટિનાનો પાંચમો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર અને નિકાસ સ્થળ હતું.
બ્રાઝિલ (5-8 જુલાઈ)
પીએમ મોદી રિયો ડી જાનેરોમાં બ્રિક્સ નેતાઓના સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને મળશે, ત્યારબાદ તેઓ રાજ્યની મુલાકાત લેશે. બ્રિક્સમાં વડાપ્રધાન વૈશ્વિક શાસન, શાંતિ અને સુરક્ષા, બહુપક્ષીય નીતિને મજબૂત બનાવવા, AIનો જવાબદાર ઉપયોગ, આબોહવા કાર્યવાહી, વૈશ્વિક આરોગ્ય વગેરેના સુધારાઓ પર ચર્ચા કરશે. સમિટ દરમિયાન તેમની ઘણી દ્વિપક્ષીય બેઠકો થવાની સંભાવના છે.
બ્રાઝિલિયામાં પીએમ મોદી વેપાર, સંરક્ષણ, ઊર્જા, અવકાશ, ટેકનોલોજી, કૃષિ અને આરોગ્ય સહિત પરસ્પર હિતોના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી માટે રાષ્ટ્રપતિ લુલા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. જોકે બ્રાઝિલ દક્ષિણ અમેરિકામાં ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે.
નામિબિયા (9 જુલાઈ)
નામિબિયાની પ્રથમ મુલાકાત દરમિયાન પીએમ મોદી રાષ્ટ્રપતિ નેતુમ્બો નંદી-ન્દૈતવાને મળશે. આ દરમિયાન, તેઓ નામિબિયાના સ્થાપક પિતા ડૉ. સેમ નુજોમાને શ્રદ્ધાંજલિ આપશે અને દેશની સંસદને સંબોધિત કરશે. વર્ષ 2000માં દ્વિપક્ષીય વેપાર $3 મિલિયન હતો જે હવે વધીને લગભગ $600 મિલિયન થયો છે.
ભારતીય કંપનીઓએ નામિબિયામાં માઈનિંગ, ઉત્પાદન, હીરા પ્રક્રિયા અને સેવાઓમાં રોકાણ કર્યું છે. તેમજ સપ્ટેમ્બર 2022માં મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં વડાપ્રધાન દ્વારા નામિબિયાના આઠ ચિત્તા છોડવામાં આવ્યા હતા.