શહેર ક્રાઈમ બ્રાંચે સંત કબીર રોડ પર શક્તિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં અજય સરવૈયાના ડેલામાં દરોડો પાડી 1248 બોટલ પકડી, આરોપીની શોધખોળ
રૂરલ ક્રાઈમ બ્રાંચે ગુંદાસરાના ઔદ્યોગિક વિસ્તારમાં ગોડાઉનમાં દરોડો પાડી 3588 બોટલ ઝડપી, એક પરપ્રાંતીયની ધરપકડ કરાઈ
- Advertisement -
રાજકોટના ફિરોઝ ઉર્ફે ફિરિયો મેણુ અને નાગડકાના ધવલ સાવલીયાનું નામ ખુલ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ અને ગુંદાસરામાંથી દારૂની 4836 બોટલ ઝડપાઈ હતી. જેમાં દારૂનો જથ્થો ઉપરાંત બે બોલેરો પીકઅપ અને એક મોબાઈલ ફોન મળી રૂ.23.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. રૂરલ ક્રાઈમ બ્રાંચે ગુંદાસરાના ઔદ્યોગિક વિસ્તારમાં ગોડાઉનમાં દરોડો પાડી 3588 બોટલ ઝડપી હતી. સ્થળ પરથી એક પરપ્રાંતીયની ધરપકડ કરાઈ હતી. રાજકોટના ફિરોઝ ઉર્ફે ફિરિયો મેણુ અને નાગડકાના ધવલ સાવલીયાનું નામ ખુલ્યું હતું.
શહેર ક્રાઈમ બ્રાંચે સંત કબીર રોડ પર, મયુરનગરના શક્તિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા અજય મોહન સરવૈયા(રહે. રણછોડ નગર, સદગુરુનગર, શેરી નં.1, મયુર નગર પાછળ)ના ડેલામાં દરોડો પાડી 1248 બોટલ પકડી હતી અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પ્રથમ દરોડા અંગે રૂરલ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ, તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ દારૂ જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સુચના કરી હતી. જે અનુસંધાને ગઈકાલે રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ એલ.સી.બી. શાખાના પીએસઆઇ એચ.સી.ગોહિલ, ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન પીઆઈ ઓડેદરા તથા પીએસઆઇ ગોહિલને બાતમી મળી હતી કે, ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે એકતા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ વિસ્તારમાં આવેલ ભરતભાઇ શામજીભાઇ લાડાણીના ગોડાઉનમાં ફિરોજભાઇ ઉર્ફે ફિરીયો હાસમભાઇ મેણુ (રહે.દેવપરા મેઇન રોડ ખ્વાજા એપાર્ટમેંટ ની સામે ખ્વાજા મંજીલ” રાજકોટ) તથા ધવલ રસીકભાઇ સાવલીયા (રહે.મુળ નાગડકા તા.ગોંડલ જી. રાજકોટ હાલ રહે.રાજકોટ)એ ભાગીદારીમાં વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવી વેચાણ કરવાના ઇરાદે બીજા વાહનોમાં હેરફેર કરવાની કટિંગની ગેર કાયદે પ્રવૃત્તિ કરી રહ્યા છે. ત્યાં દરોડો પાડતા 299 દારૂની પેટીમાં 3588 બોટલો મળી આવી હતી.
જે દારૂના જથ્થાની કિંમત રૂ.10,76,400 અને દારૂનો જથ્થો હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ મહીન્દ્રા બોલેરો પીકઅપ જીજે 04 એ ડબ્લ્યુ 7384 જેની કિંમત રૂ.5 લાખ અને એક મોબાઇલ ફોન કિંમત રૂ.5,000 કબ્જે કરી કુલ રૂ.15,81,400નો મુદ્દામાલ કબ્જે કરી સ્થળ પરથી પ્રેમકુમાર લીંબારામ રાવત ( ઉ.વ.19 રહે. સવના તા.ભીંડર જી.ઉદયપુર,રાજસ્થાન)ની ધરપકડ કરાઈ હતી અને ગોંડલ તાલુકા પોલીસમાં ગુનો નોંધી ફિરોજભાઇ ઉર્ફે ફિરીયો અને ધવલ સાવલીયાની શોધખોળ હાથ ધરાઈ હતી. બંને દરોડો પડતા ભાગી છૂટ્યાનું જાણવા મળે છે. આ કામગીરીમાં એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઇ એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, પ્રહલાદસિંહ રાઠોડ, અનીલભાઇ ગુજરાતી, દિગ્વીજયસિંહ રાઠોડ, રૂપકભાઇ બોહરા તથા કોન્સ્ટેબલ ઘનશ્ર્યામસિંહ જાડેજા, રસીકભાઇ જમોડ, ભાવેશભાઇ મકવાણા, રજાકભાઈ બિલખીયા તથા વિરમભાઇ સમેચા ફરજ પર રહ્યા હતા.