-નાની ખરીદી-રોજબરોજની જરૂરીયાત પૂરી કરવા માટે લોનનો ટ્રેન્ડ!
ખાદ્ય ચીજોથી માંડીને તમામ ક્ષેત્રોમાં વધતી મોંઘવારી અને બે છેડા ભેગા કરવામાં લોકોને પડતી મુશ્કેલીનો સંકેત ઉભો થતો હોય તેમ રૂા.50 હજારથી ઓછીની રકમની લોનની સંખ્યામાં ઘણો મોટો વધારો થતા રીઝર્વ બેંક ચિંતિત બની છે અને આવા લોનધારકો સંદર્ભે કડક વલણ અપનાવવા બેંકોને સૂચના આપવામાં આવી છે.
- Advertisement -
રીપોર્ટમાં દર્શાવવામાં આવ્યા પ્રમાણે જુન-2023 સુધીમાં 50,000 કરતા ઓછીની રકમનું એનપીએ 8.1 ટકા હતું જે માર્ચ-2023 સુધીની તમામ રીટેલ લોનના 1.4 ટકાના એનપીએ કરતા 6 ગણુ વધી ગયું હતું. 2022-23માં રૂા.10,000 કરતા ઓછી રકમની લોનમાં 37 ટકાનો વધારો નોંધાયો હતો.
જયારે 10,000થી પ0,000ની પર્સનલ લોનમાં 48 ટકાનો ઘણો મોટો વધારો થયો છે. મહત્વની બાબત એવી જોવા મળી હતી કે 10,000થી ઓછી રકમની લોનમાં 38 ટકાની વૃધ્ધિ થઇ તે દેશના ટોચના 100 શહેરો સિવાયના વિસ્તારોમાં જોવા મળી હતી. 50,000 સુધીની પર્સનલ લોન મોટા ભાગે ઓછી આવક ધરાવતા વર્ગ દ્વારા જ લેવામાં આવતી હોય છે અને તેની પુન: ચૂકવણીની સમય મર્યાદા નાની હોય છે. બેંકોની કુલ લોન 15 ટકાથી પણ ઓછી છે તેવા સમયે પર્સનલ લોનમાં મોટા વધારાથી રીઝર્વ બેંક વધુ ચિંતિત બની છે.
નાની લોન ડૂબવાનું જોખમ વધુ રહેતું હોવાથી રીઝર્વ બેંક દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે અને નાની રકમની આ પર્સનલ લોનમાં કડક વલણ અપનાવવા બેંકોને સૂચના આપવામાં આવી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે રીઝર્વ બેંકની સૂચના બાદ બેંકોના કડક વલણને પગલે લોન વસુલીની રફતાર તેજ બની છે. બેંકીંગ ક્ષેત્રમાં એનપીએનો દર છેલ્લા એક દાયકાના તળીયે આવી ગયો છે અને રીઝર્વ બેંકના અંદાજ પ્રમાણે માર્ચ-2024 સુધીમાં બેંકોનું એનપીએ ઘટીને 3.6 ટકાના સ્તરે આવી જશે.
- Advertisement -
નોનબેંકીંગ ફાયનાન્શિયલ કંપનીઓના સુત્રોએ પણ સ્વીકાર્યુ કે નાની રકમની રકમમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. આ પ્રકારની કંપનીઓ નાની લોન મોટા પ્રમાણમાં આપી રહી છે. બેંકોને પણ તેની અસર થતી હોય છે. કારણ કે નોનબેંકીંગ ફાયનાન્શિયલ કંપનીઓને ધીરાણ તો બેંકો જ આપતી જ હોય છે. સુત્રોના કહેવા પ્રમાણે 10,000થી માંડીને પ0,000 સુધીની લોન લોકો જુદી જુદી ખરીદી કરવા માટે લેતા હોય છે. નાની લોન વસુલવાના પ્રયાસો તેજ કરવામાં આવી રહ્યા છે.