ટ્રકમાં માટી ભરેલી બોરીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી ગાંધીધામ લઈ જવાતો હતો
મસમોટા દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, 56 લાખથી વધુનો મુદામાલ જપ્ત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
માળિયા નજીકથી મોરબી એલસીબી ટીમને મસમોટો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે જેમાં ટ્રકમાં માટીની બોરીઓની આડમાં મધ્યપ્રદેશથી ગાંધીધામ લઈ જવાતા વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીને પોલીસે દબોચી લીધો હતો અને પોલીસે રૂ. 46.14 લાખની કિંમતનો દારૂ તેમજ ટ્રક મળી કુલ રૂ. 56 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો.
મધ્યપ્રદેશથી કચ્છના ગાંધીધામ ખાતે એક ટ્રકમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે અને આ ટ્રક હળવદ માળિયા રોડ પરથી પસાર થવાનો હોવાની બાતમી મોરબી એલસીબીને મળી હતી જે બાતમીના આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી હતી તે દરમિયાન જીજે-06-એયુ-5148 નંબરના શંકાસ્પદ ટ્રકને અણીયારી ટોલનાકા નજીક રોકી પૂછપરછ કરતા ટ્રક ચાલક હનુમાનરામ વિરામારાવ જાખર (રહે. મૂળ કકરાવા, શેડવા, જી. બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન ટ્રકમાંથી બીજી નંબરપ્લેટ પણ મળી આવતા તે અંગે પોલીસે પૂછપરછ કરી હતી જોકે ટ્રકચાલક તેનો જવાબ ન આપી શકતા પોલીસે ટ્રકની તલાશી લીધી હતી જે તલાસીમાં ટ્રકમાં ખાતરની બોરીઓ વચ્ચે વિદેશી દારૂની પેટી ભરેલી હોવાનું માલુમ પડ્યું હતું જેથી પોલીસે તપાસ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની રૂ. 46.14 લાખથી વધુ કિંમતની 11,208 બોટલ મળી આવી હતો જે બાદ પોલીસે તુરંત રૂ. 10 લાખની કિંમતના ટ્રક અને એન્ડ્રોઈડ મોબાઈલ તથા રોકડ રૂપિયા 3400 મળી કુલ રૂ.56.23 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને ટ્રક ચાલક હનુમાનરાવ જાખરની ધરપકડ કરી માળિયા મિંયાણા પોલીસના હવાલે કરાયો હતો.
આ અંગે આરોપીની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશના ઈન્દોરથી નાથારામ તગારામ ચૌધરીએ ભરી આપ્યો હોવાનું અને કચ્છના ગાંધીધામ ખાતે લઈ જવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું જોકે ગાંધીધામમાં આ જથ્થો જેને આપવાનો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ માત્ર એક મોબાઈલ નંબર મળ્યા હતા જેના આધારે આરોપીની ઓળખ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.