ગાંધીનગરના આરોગ્ય તંત્રના ઈન્સ્પેકશન રિપોર્ટના વાંકે મશીન શરૂ ન થઈ શકતું હોવાનો તંત્રનો જવાબ!
ખાસ-ખબર સંવાદદાતા
શહેરની સિવિલ હોસ્પિટલમાં સંબંધિતોના સંકલનના અભાવે એક દાતાએ આપેલું અને થેલેસેમીયાગ્રસ્ત દર્દીઓ માટે ‘જીવાદોરી’ સમાન એવું એલઆર મશીન છેલ્લા સાત-આઠ મહિનાથી ધૂળ ખાતું હોવાની ચોંકાવનારી વિગતો મળી રહી છે. આ કારણે એટલે કે આ મશીનરી દ્વારા મળનારી પુરતી સુવિધા શરૂ થવાના અભાવે બંધ પડી હોવાથી રોજને રોજ કોઈને કોઈ થેલેસેમીયાના દર્દીઓને રીએકશન જેવી સમસ્યાનો ભોગ બનવું પડતું હોવાનો આવા દર્દીઓના વાલીઓમાં ગજબનો ઉહાપોહ સંભળાઈ રહ્યો છે. આમ છતાં સંબંધિત સત્તાધિશો તમામ દોષનો ટોપલો ગાંધીનગર સ્થિત આરોગ્ય તંત્ર પર ઢોળી રહ્યાં હોવાથી હવે ઉચ્ચ આરોગ્ય તંત્રએ આ બાબતે સરકારી આરોગ્ય સેવાની કનળતી હાલત સુધારવાની જરૂર હોવાનું જાગૃત નાગરિકો કહે છે.
સિવિલ હોસ્પિટલમાં રોજેરોજ રકત સંબંધી સારવાર માટે આવતાં જતાં અને હેરાન થતાં થેલેસેમીયાગ્રસ્ત દર્દીઓમાં સંભળાતી ફરિયાદ જોઈએ તો અહિં એટલે કે સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડીંગમાં લેબારેટરીમાં એક મશીન છેલ્લા સાત આઠ મહિનાથી આવી ગયું છે.
દાતાની ઉદારતાથી અંદાજે રૂા.45 લાખની આ એલઆર મશીન નામની સેવાને શરૂ કરવા તંત્રને કોઈ શુભ ચોઘડીયું મળતું ન હોવાથી આ મશીન શોભાના ગાંઠીયાની માફક બંધ પડયું હોવાથી થેલેસેમીયાના દર્દીઓમાં તંત્ર પ્રત્યે ભારે રોષ ફેલાયો છે. આરોગ્યલક્ષી સુવિધા અને મશીનરી બાબતે જાણકારો કહે છે કે એલઆર મશીન દ્વારા રકત ફિલ્ટર થાય છે અને ફિલ્ટર લોહી ચડાવ્યા બાદ દર્દીઓમાં કોઈ ફરિયાદ કે રીએકશન આપવાની સંભાવના રહેતી નથી. પણ ખાટલે મોટી ખોડની જેમ છતે સુવિધાએ દર્દીઓને આ મશીનનો લાભ મળતો ન હોવાથી દર્દીઓ મોતાન મુખમાં ધકેલાઈ જતાં હોવાના બનાવો તાજેતરમાં જ બની ગયાના દર્દીઓમાં આક્ષેપો થઈ રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છેકે સીવીલ હોસ્પિટલમાં તાજેતરમાંજ મુખ્યમંત્રીના હસ્તકે લોકપર્ણ કરવામાં આવેલ હદય રોગની સારવાર માટેની અત્યાધુનિક સાધનો તથા લેબોરેટરી પણ નિષ્ણાંત ટેકેનિશીયનો અને તબીબોના વાકે ધૂળ ખાઇ રહી છે. કરોડો રૂપિયાની કિંમતની આ સુવિધા હોસ્પિટલમાં ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને તેનો લાભ મળતો નથી. અને ખાનગી હોસ્પિટલોમાં નાણા ર્ખેચીને સારવાર લેવાની ફરજ પડે છે. આવીજ સ્થીતિ થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે આત્યંત જરૂરી એવા એલ.આર.મશીનની છે. આ આધુનિક મશીન સીવિલ હોસ્પિટલમાં હોવા છતા લોકોને તેની સુવિધા મળી રહી નથી.
- Advertisement -
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. ત્રિવેદી શું કહે છે?
થેલેસેમીયાગ્રસ્ત દર્દીઓને ફિલ્ટરવાળુ રકત ચડાવવામાં અત્યંત જરૂરી એવું એલઆર મશીન લાંબા સમયથી શા માટે બંધ પડયું છે ? તેવા સવાલમાં સુપ્રિન્ટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ કહ્યું કે દાતાના સહયોગથી મળેલ એલ.આર.મશીનનું ગાંધીનગરની ટીમ ઈન્સ્પેકશન કરી ગઈ છે. હવે ઈન્સ્પેકશન રીપોર્ટ મળે એટલે પખવાડીયામાં જ આ મશીન ચાલુ કરી દેવાશે તેવો જવાબ આપ્યો હતો.