ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાના કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો બેડી માર્કેટ યાર્ડ ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ મેળામાં રાજકોટ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં 1.26 લાખ લાભાર્થીને રૂા. 445 કરોડના લાભો મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા.
- Advertisement -
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ ગરીબ કલ્યાણ મેળાની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ વધારી છે. ગરીબોને શ્રેષ્ઠ, ગુણવત્તાયુક્ત વસ્તુ કે કીટ મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ મેળા થકી લાખો લોકોને સિલાઈ મશીન, કડિયા કામની કીટ, મકાનની સહાય, દીકરીને સાયકલ સહિતની કીટ ગરીબોને એક જ સ્થળેથી લોકોને મળી રહી છે. ગુજરાતમાં સૌથી મોટો ગરીબ કલ્યાણ મેળો રાજકોટમાં આ વખતે થયો છે. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, ધારાસભ્ય સર્વ કુંવરજીભાઈ બાવળીયા, જયેશભાઈ રાદડિયા, ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠિયા, માર્કેટ યાર્ડ ચેરમેન જયેશભાઈ બોદરા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.


