આજની સિન્ડિકેટની બેઠકમાં અનામત નીતિનો ઉલાળિયો થશેઆજની સિન્ડિકેટની બેઠકમાં અનામત નીતિનો ઉલાળિયો થશે
એક્સ્ટેન્શન કેટલી વાર આપી શકાય? સરકારના માર્ગદર્શનના નામે ‘મામા’ બનાવાયા
- Advertisement -
અનામત નીતિથી છટકવા માટે 44 દિવસના જ ઓર્ડર આપવાનો ખેલ: અનામતના નામે હો-હા-દેકારો કરનારાઓ મૌન!
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજે યોજાયેલી સિન્ડિકેટની બેઠકમાં અનામત નીતિનો છેદ ઉડાડીને કરાર આધારિત પ્રોફેસરોને વધુ 44 દિવસનું એક્સ્ટેન્શન આપી દેવાનો ખેલ પાડવામાં આવનાર છે.
યુનિવર્સિટીમાં ગત તા. 8 અને 9 જૂને વિવિધ ભવનોમાં કરાર આધારિત પ્રોફેસરોના ઈન્ટરવ્યૂ યોજવામાં આવ્યા હતા. આ કરાર આધારિત ભરતીમાં અનામત નીતિનો અમલ ન થતો હોવાની ઉગ્ર રજૂઆતો ઈન્ટરવ્યૂ સમયે જ થતાં 11 માસને બદલે 44 દિવસનો જ ઓર્ડર આપવાની અને બાદમાં ફરી જાહેરાત આપીને ભરતી કરવામાં આવશે તેવો કોણીએ ગોળ લગાડીને રજૂઆતકર્તાઓને વળાવી દેવામાં આવ્યા હતા. બાદમાં પસંદ થયેલા ઉમેદવારોને 44 દિવસનો જ ઓર્ડર આપીને અનામતના મુદ્દે સરકારનું માર્ગદર્શન માગવામાં આવ્યું હતું. આ 44 દિવસની મુદત આગામી દિવસોમાં પૂર્ણ થવાની હોય ફરી જાહેરાત આપવાના બદલે આ મુદતમાં ફરી 44 દિવસનો વધારો આજની સિન્ડિકેટમાં કરી દેવામાં આવનાર છે.
- Advertisement -
અનામત નીતિના અમલની રજૂઆત કરનારાઓના કહેવા મુજબ 44 દિવસથી વધારે મુદતની કોઈ પણ કરારી ભરતી માટે પણ એસ.સી., એસ.ટી., એસ.ઈ.બી.સી.ની અનામત સીટનો અમલ કરવો ફરજિયાત છે જેથી 11 માસની ભરતીમાં પણ આ અનામત નીતિ લાગુ પાડવી જોઈએ જે-તે સમયે આ વાતનો સ્વીકાર પણ થયો હતો અને માત્ર 44 દિવસના જ ઓર્ડર અપાયા હતા. જે મુદત પૂર્ણ થાય એ પહેલાં ફરી મુદતમાં વધારો કરવામાં આવનાર છે.
સરકાર પાસે માર્ગદર્શનના નામે 44 દિવસનો ખેલ પાડવામાં આવ્યા બાદ ફરી આ મુદતમાં 44 દિવસનો વધારો કરવામાં આવનાર છે ત્યારે સવાલ એ થાય છે કે આ રીતે મુદત વધારવાની સત્તા યુનિવર્સિટીને કેટલી વાર હોય છે?
અનામતની માંગણી કરનારા પાણીમાં બેસી ગયાં!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતીના સમયે ભારે હો-હા-દેકારો મચાવનારા અને આ મુદ્દે અનામત આયોગ સુધી રજૂઆતો કરનારાઓ જે-તે સમયે તો 44 દિવસના ઓર્ડરથી શાંત પડી ગયા હતા, પણ ફરી એક્સ્ટેન્શન આપવાની વાત સામે પાણીમાં બેસી ગયા કે પછી કુલપતિ ડો. ગિરીશ ભીમાણીની પડદા પાછળની રમતથી તેઓ અજાણ છે? પોતાના માનીતા કરાર આધારિત અધ્યાપકોને લાભ ખટાવવા ડૉ. ભીમાણી રાજરમત રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.