ગુજરાતમાં આચારસંહિતા ભંગની રેકોર્ડબ્રેક ફરિયાદ
કુલ આંકડો 5000ને પાર થઇ જવાની આશંકા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.03
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર આગામી 7 મેના રોજ ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે આચારસંહિતા ભંગની ફરિયાદોનો મારો હોય તેમ આ વખતે રેકોર્ડબ્રેક સંખ્યામાં આવી ફરિયાદો થઇ છે. ગુરૂવારની સ્થિતિએ રાજયમાં અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગની 4254 ફરિયાદો નોંધાઇ છે. આ પૂર્વે 2019માં સમગ્ર ચૂંટણી દરમ્યાન 3490 ફરિયાદો નોંધાઇ હતી.
ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પંચ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદો માટે નવી નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાથી પ્રમાણ વધ્યું હોવાનું માની શકાય છે.
ચૂંટણી પંચે સી-વીઝીલ એપની સુવિધા આપી છે.જેમાં રાજકીય પક્ષોના આગેવાનો, કાર્યકરોએ સામાન્ય નાગરિકો પણ આચારસંહિતા ભંગ થતો હોય તો મોબાઇલ મારફત જ ફરિયાદ નોંધાવી શકે છે અને રીટર્નીંગ ઓફિસર સમક્ષ રૂબરૂ જવાની જરૂરીયાત રહેતી નથી.મતદાનના આડે હવે ચાર દિવસ બાકી છે. ત્યારે હજુ ફરિયાદો વધી શકે છે અને આંકડો પાંચ હજારને પાર કરી જાય તેવી શકયતા નકારાતી નથી. રાજયમાં સામાન્ય ચૂંટણી વખતે અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગની આ સૌથી વધુ ફરિયાદો છે. સુત્રોના કહેવા પ્રમાણે મોટા ભાગની ફરિયાદો વિવાદીત વિધાનો સંબંધી હોય છે, આ સિવાય નિયત સમય મર્યાદાથી મોડી ચૂંટણી સભા યોજવાની, મતદારોને લલચાવવા નાણા કે કોઇપણ ચીજવસ્તુઓ અપાતી હોવાની અને દારૂ આપવા જેવી અન્ય ફરિયાદો થતી હોય છે. રાજયમાં આચારસંહિતા ભંગની સૌથી વધુ 1352 ફરિયાદો અમદાવાદ જિલ્લામાં નોંધાઇ છે. જોકે આ પાછળનું કારણ જિલ્લાની ત્રણ બેઠકો છે.
- Advertisement -
અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર જિલ્લાના અમુક ભાગો પણ અમદાવાદ હેઠળ આવી જતા હોય છે. સૌથી ઓછી પાંચ ફરિયાદો છોટા ઉદેપુર જિલ્લામાંથી નોંધાઇ છે. સી-વીઝીલ એપ મારફત નાગરિકો સીધા ચૂંટણી પંચના કંટ્રોલ રૂમ સાથે જોડાઇ શકે છે. રીટર્નીંગ ઓફિસર તથા ફલાઇંગ સ્કવોડને પણ તેની માહિતી મળી જાય છે. ચૂંટણી પંચે 100 મીનીટમાં જ કોઇપણ આચારસંહિતા ભંગની ફરિયાદોનો નિકાલ કરવાની વ્યવસ્થા ગોઠવી છે.