હિરણ-2 ડેમની મરામત કામગીરી ચાલું હોય ડેમ ખાલી કરતાં પ્રજાને ઉપયોગી થવા પીવા માટે પાણી આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ તાલાલા, તા.10
- Advertisement -
તાલાલા પંથકની જીવાદોરી સમાન ગીરના જંગલમાં આવેલ કમલેશ્વર ડેમ માંથી વેરાવળ શહેર તથા વેરાવળ તાલુકાનાં 42 ગામોની પ્રજાને પીવાનું પાણી આપવા 80 એમ.સી.એફ.ટી પાણી આપવામાં આવતા વેરાવળ વિસ્તારને રાહત મળશે.
સિંચાઇ વિભાગના સેકસન ઓફીસર નરેન્દ્રભાઇ પિઠીયા ના જણાવ્યા પ્રમાણે તાલાલા પંથકની હિરણ નદી ઉપરની કેનાલ વાળા નવ ગામોને ઉનાળું ફસલ માટે છ પાણી આપવાના છે જે પૈકી પાંચ પાણી આપવામાં આવેલ છે.એક બાકી પાણી આપવા માટે તથા સિંહોને પીવા માટે રાખવામાં આવતો પાણીનો જથ્થો અનામત રાખ્યા બાદ કમલેશ્વર ડેમમાંથી વધતા પાણીના જથ્થામાંથી 80 એમ.સી.એફ.ટી પાણીનો જથ્થો વેરાવળ શહેર તથા વેરાવળ તાલુકાના 42 ગામની પ્રજાને પીવા માટે આપવા કમલેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવેલ છે.વેરાવળ વિસ્તાર માટે ઉપયોગી ઉમરેઠી ગીર ગામે આવેલ હિરણ-2 ડેમના તમામ ગેટ સાથે જરૂરી મરામત કરી ડેમનું સંપૂર્ણ નવીનીકરણ કરવાની કામગીરી ચાલતી હોય હિરણ-2 ડેમ ખાલી કરવામાં આવતા ઉનાળામાં પીવાના પાણીની અછત ઉભી થાય નહીં માટે કમલેશ્વર ડેમ માંથી પાણી લઈ જવામાં આવ્યું છે.
કમલેશ્વર ડેમ માંથી હિરણ નદી મારફત પાણી છોડવામાં આવતા સાસણ ગીરથી તાલાલા ગીર વિસ્તારમાં આવતા હિરણ નદી કાંઠા ઉપરનાં તમાંમ ગામોને સાવચેત કરી નદીના કાંઠા વિસ્તારમાં અવરજવર કરવી નહીં તેવી સિંચાઇ વિભાગ દ્વારા તાકિદ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે કમલેશ્વર ડેમમાં અત્યારે અંદાજે 250 એમ.સી.એફ.ટી જેટલો પાણીનો જીવંત જથ્થો છે જેમાંથી એક પાણી તાલાલા વિસ્તારના નવ ગામોને ઉનાળું ફસલ માટે તથા 80 એમ.સી.એફ.ટી પાણી વેરાવળ વિસ્તારની પ્રજાને પીવા માટે આપી બાકી રહેતો પાણીનો જથ્થો સિંહોને પીવા માટે અનામત રાખવામાં આવશે.