15 ખેડૂતોને 77 લાખની સહાય અપાઇ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
સુરેન્દ્રનગરના નાના કાંધાસર ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો. જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં કૃષિલક્ષી વિવિધ યોજનાઓ અંતર્ગત 15 ખેડૂત લાભાર્થીઓને રૂ. 77 લાખથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, નર્મદાના નીર પહોંચતા જિલ્લાના ખેડૂતો સિંચાઈ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસારથી જિલ્લામાં 41 હજારથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
- Advertisement -
તેમણે ખેડૂત બહેનોને કિચન ગાર્ડન ક્ધસેપ્ટ અપનાવવા અનુરોધ કર્યો. આંગણવાડીઓ અને સરકારી શાળાઓમાં પણ કિચન ગાર્ડનની વ્યવસ્થા કરવામાં આવી છે. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.એ. પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, આધુનિક ટેકનોલોજી અને કલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. મદદનીશ ખેતી નિયામક એચ.ડી. વણકરે ખેતીવાડી વિભાગની યોજનાઓની માહિતી આપી. કૃષિ વૈજ્ઞાનિક ડો. આર.પી. કાલમાએ આદર્શ પશુપાલન અને વ્યવસ્થાપન વિશે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમના અંતે પાક સંરક્ષણ મદદનીશ ખેતી નિયામક કે.સી. ઠાકોરે આભારવિધિ કરી હતી.
આ તકે કૃષિલક્ષી વિવિધ યોજનાના લાભાર્થી ખેડૂતોને મહાનુભાવોના હસ્તે સ્વરોજગારલક્ષી નર્સરી, ઘન જીવામૃત યુનિટ, બેલર, પાવર થ્રેશર, પાક સંગ્રહ સ્ટ્રકચર, ફાર્મ મશીનરી બેન્ક, કમબાઈન્ડ હાર્વેસ્ટર, હાઈ ટેક હબ સહિત જુદીજુદી યોજનાઓ અન્વયે કુલ રૂ. 77,57,400 જેટલી રકમનું સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કિસાન સન્માન સમારોહમાં સર્વે અગ્રણીઓ સુરેશભાઈ ધરજીયા, પ્રવિણભાઈ જાંબુકીયા, નાથાભાઈ સંઘાણી, નવઘણભાઈ ઝાલા, ઝવરાભાઈ ઝાલા, નવઘણભાઈ ડાભી, અર્જુનભાઈ રાયકા સહિતના પદાધિકારીઓ, આગેવાનો, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશભાઈ પરમાર, નાયબ બાગાયત નિયામક એમ.બી.ગાલવડીયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહિલ સહિતના સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, ખેડૂતમિત્રો તેમજ પશુપાલકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.



