સાંસદ પરસોત્તમ રૂપાલાએ લોકસભામાં સૌરાષ્ટ્રની પ્રથમ રાજકોટ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંગે પ્રશ્ર્ન ઉઠાવ્યો
સંભવત શાપર-વેરાવળથી એઈમ્સ સુધીના રૂટ પર મેટ્રો રેલ લાઈન બિછાવવામાં આવી શકે છે
- Advertisement -
રાજકોટને એઈમ્સ, ક્રિકેટ સ્ટેડિયમ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યા બાદ હવે વધુ એક સુવિધા મળશે
રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં મેટ્રોરેલ પ્રોજેક્ટ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે ત્યારે તાજેતરમાં જ લોકસભાની પ્રશ્નોત્તરી દરમિયાન પણ રાજકોટમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનો મુદ્દો ગુંજ્યો હતો. સાંસદ પરસોત્તમ રૂપાલાએ રેલવે સંબંધિત પૂછેલા જુદા જુદા પ્રશ્નોના જવાબમાં મંત્રીએ જવાબમાં વિગતો આપી હતી. કેન્દ્ર સરકારના રેલવે, ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસિ્ંટગ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં ગુજરાતના રેલવે પ્રોજેક્ટ્સ સંબંધિત એક પ્રશ્નના જવાબમાં માહિતી રજૂ કરી છે. રાજકોટ મેટ્રો રેલ પ્રોજેક્ટને રાજ્ય સરકારે મૂળભૂત મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ રૂ.10.427 કરોડ રખાયો છે અને કુલ લંબાઈ 41 કિમી રહેશે. વધુમાં આ પ્રશ્નોત્તરી દરમિયાન જણાવાયું હતું કે શહેરી પરિવહનનો વિષય રાજ્ય સરકાર હેઠળ આવે છે. એટલે રાજ્યોને માળખાકીય વિકાસ માટે પહેલ કરવાની રહે છે. રાજકોટ મેટ્રો માટે રાજ્ય સરકાર દ્વારા આપેલી મૂળભૂત મંજૂરી મહત્વપૂર્ણ ગણાય છે. હવે કેન્દ્રીય મંત્રાલયોમાંથી મંજૂરીના પ્રક્રિયા, યોજનાનું નાણાકીય પુનરાવલોકન અને ટેક્નિકલ ડિઝાઇન જેવી પ્રક્રિયાઓ આગળ વધશે. રાજકોટને એક નવી શહેરી ઓળખ મળશે. જો પ્રોજેક્ટ સમયસર મંજૂર થાય અને અમલમાં આવે, તો નાગરિકોને માત્ર ગતિશીલ પરિવહન નહીં, પણ વિશ્વસ્તરીય માળખાકીય વિકાસનો અનુભવ થશે.
અગાઉ નેટવર્ક પ્લાનિંગ ગ્રૂપની મિટિંગમાં પ્રોજેક્ટની ચર્ચા થઈંતી
અગાઉ માર્ચમાં ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ (ઉઙઈંઈંઝ)ના સંયુક્ત સચિવ પંકજકુમારની અધ્યક્ષતામાં નેટવર્કપ્લાનિંગ ગ્રૂપ (એનપીજી)ની 89મી બેઠક રોડ, રેલવે અને મેટ્રો સેક્ટરમાં માળખાગત પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવા મળી હતી. આ બેઠકમાં ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં આગામી સમયમાં અમલી થનાર મેટ્રો રેલ પ્રોજેક્ટની ચર્ચા કરવામાં આવી હતી.
મેટ્રો રેલના રૂટ માટે સરવે પણ થઈ ગયો છે
મેટ્રો રેલના અધિકારીઓ રાજકોટમાં આવીને સરવે પણ કરી ગયા છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપીને તેનો ડીપીઆર કેન્દ્રમાં મંજૂરી માટે મોકલ્યો છે. શાપરથી એઈમ્સ સુધીનો રૂટ નક્કી થઇ શકે છે મેટ્રોની જવાબદારી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ કંપની ગાંધીનગર કચેરી સંભાળશે. મેટ્રો રેલના અધિકારીઓ રાજકોટમાં આવીને સરવે પણ કરી ગયા છે. ગુજરાત સરકારે ડીપીઆર કેન્દ્રમાં મંજૂરી માટે મોકલ્યો છે. કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ ઝડપથી રાજકોટમાં મેટ્રો રેલનું કામ શરૂ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. સંભવત શાપર-વેરાવળ, 150 ફૂટ રિંગ રોડ, ખંઢેરી, એઈમ્સ સહિતના રૂટ પર મેટ્રો રેલ લાઈન બિછાવવામાં આવી શકે છે.
મેટ્રો રેલથી 25 હજાર લોકોને લાભ
રાજકોટમાં મેટ્રો રેલ શરૂ થવાથી દરરોજ આશરે 20થી 25 હજાર લોકોને લાભ થશે. હાલ શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે લોકો સિટીબસ અને બીઆરટીએસ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે. મેટ્રો રેલ પ્રોજેક્ટથી રાજકોટની આસપાસનો આશરે 38થી 40 કિલોમીટરનો વિસ્તાર કવર કરવામાં આવનાર હોવાથી ઓછા ખર્ચે દૂર સુધી જવા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે. લોકો ટ્રાફિકનો સામનો કર્યા વિના એકથી બીજા સ્થળે સરળતાથી મુસાફરી કરી શકશે.
રાજકોટ મેટ્રો રેલ પ્રોજેક્ટની સમીક્ષા PM મોદીએ કરી
14 માર્ચની નેટવર્ક પ્લાનિંગ ગ્રુપ એનપીજીની 89મી બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ રાજકોટ મેટ્રો રેલ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન એ સપ્ટેમ્બર 2021માં રાજકોટ મેટ્રો પ્રોજેક્ટ માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ ડીપીઆર તૈયાર કરવા માટે ટેન્ડર આપ્યું હતું. બાદમાં સરકારે રાજકોટ મેટ્રો પ્રોજેક્ટ બનાવવા માટે ગયા વર્ષે કેન્દ્ર સરકારને 10,000 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂરીની રાહ જોઈ બેઠી છે પરંતુ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ પ્રોજેક્ટની સમીક્ષા પીએમ મોદીએ કરી હતી. હવે કેન્દ્રમાંથી લીલી ઝંડી આવે એટલે પ્રોજેક્ટ આગળ વધારવામાં આવશે. જો લીલી ઝંડી મળે તો સૌરાષ્ટ્રની પ્રથમ મેટ્રો રેલ સેવા સંભવત ખંઢેરી સ્ટેડિયમથી શાપર સુધી મેટ્રો દોડશે.