પરિક્રમા બાબતે ભવનાથ ઉતારા મંડળ ટ્રસ્ટની બેઠક યોજાઈ
પરિક્રમાનાં ‘સુગમ’ સંચાલન મુદ્દે દિવાળી પહેલા આયોજન માટે તંત્ર પર દબાણ
- Advertisement -
રસ્તા રીપેરિંગ, સાફસફાઈ, વધારાની એસટી બસ અને ટ્રેન શરુ કરવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમામેં હવે જયારે 30 દિવસ બાકી રહ્યા છે તેના માટે ભવનાથમાં એક બેઠક યોજાય હતી જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગિરનાર ફરતે પગપાળા 36 કિમિની લીલી પરિક્રમાનું આયોજન આ વર્ષે પણ પરંપરાગત રીતે કારતક સુદ અગિયારસના દિવસે, એટલે કે તા. 1-11-2025 થી શરૂ થશે અને કારતક સુદ પૂનમના તા. 5-11-2025ના રાત્રીએ પૂર્ણ થશે. આશરે પાંચ દિવસ સુધી ચાલતી આ ધાર્મિક પદયાત્રામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે, ત્યારે આ ભાવિકોની સુવિધા માટે ભવનાથ ઉતારા મંડળ ટ્રસ્ટ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ઉતારા મંડળ ટ્રસ્ટ દ્વારા તંત્ર પાસે મુખ્ય માંગણી એ કરવામાં આવી છે કે પરિક્રમાના આયોજન માટેની બેઠક દિવાળી પૂર્વે જ યોજવામાં આવે. ભૂતકાળમાં એવું જોવા મળ્યું છે કે તંત્ર દ્વારા દિવાળી પછી બેઠક બોલાવવામાં આવે છે, જેના કારણે આગોતરી તૈયારીઓ માટે પૂરતો સમય મળતો નથી અને યાત્રાળુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી, વહેલી બેઠક બોલાવીને તમામ જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરી શકાય તે માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે.
- Advertisement -
આ ઉતારા મંડળ ટ્રસ્ટની બેઠકમાં પરિક્રમા દરમિયાન યાત્રાળુઓને પડતી સંભવિત મુશ્કેલીઓ અને તેના નિવારણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અનેક મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું મંડળે જણાવ્યું હતું કે, પરિક્રમાના રસ્તાઓનું તાત્કાલિક સમારકામ, સાફસફાઈ, વન્યપ્રાણીઓને સલામત સ્થળે ખસેડવા અને જરૂરી સાઈન બોર્ડ લગાવવાની કામગીરી પૂર્ણ કરવી તેમજ એસ.ટી. અને રેલવે વિભાગ દ્વારા લાખો યાત્રાળુઓની અવરજવરને ધ્યાનમાં રાખીને વધારાની બસ અને ટ્રેનની વ્યવસ્થા કરવી અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથના મુખ્ય માર્ગોનું સમારકામ ઝડપથી પૂર્ણ કરવું અને યાત્રાળુઓની સુવિધા માટે નવા સાઈન બોર્ડ લગાવવા.
પરિક્રમામાં સ્વદેશી વસ્તુઓના વપરાશનો સંકલ્પ
ઉતારા મંડળની આ બેઠકનો એક મુખ્ય સંકલ્પ કરવામાં આવ્યો હતો જેમાં પરિક્રમામાં સ્વદેશી વસ્તુઓના વપરાશને પ્રોત્સાહન આપવાનો હતો. ભવનાથ સાથે જોડાયેલા તમામ ટ્રસ્ટ દ્વારા પરિક્રમા દરમિયાન ફક્ત સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવા અને તેનો પ્રચાર-પ્રસાર કરવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ પગલાથી ’વોકલ ફોર લોકલ’ના મિશનને પણ વેગ મળશે તેમ મંડળના પ્રમુખ ભાવેશભાઈ વેકરીયાએ જણાવ્યું હતું ત્યારે હવે આગામી દિવસોમાં તંત્ર દ્વારા પરિક્રમાના આયોજન માટે કયા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.