ગિરનારના ગઢમાં રવિવારે યુવા શક્તિનો લલકાર, સ્પર્ધામાં 1115 સ્પર્ધકો દોટ મુકશે
રાજ્ય કક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ખેલાડીઓ વચ્ચે ખરાખરીનો જંગ
- Advertisement -
સાહસ અને શૌર્યનું સંગમતીર્થ બનશે ગરવો ગઢ ગિરનાર, તંત્રએ આપ્યો આખરી ઓપ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
પર્વતોના રાજા એવા ગિરનારની ગોદમાં રવિવારે સાહસ, શૌર્ય અને ક્ષમતાની કસોટી સમાન 40મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાવા જઈ રહી છે. જૂનાગઢના વહીવટી તંત્ર દ્વારા આ આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાજ્યભરના 1115 જેટલા યુવા સ્પર્ધકો કડકડતી ઠંડીમાં ગિરનારના કઠિન પગથિયાં સર કરવા મેદાનમાં ઉતરશે. ગત વર્ષે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા દરમિયાન ટેકનિકલ ખામીને કારણે સમયની નોંધણીમાં જે વિવાદ સર્જાયો હતો, તેને ધ્યાને રાખીને આ વર્ષે તંત્ર અત્યંત સતર્ક છે. ગત વર્ષની એજન્સીને રદ કરી, આ વર્ષે નવી એજન્સીને ટેકનિકલ સંચાલન સોંપવામાં આવ્યું છે. દરેક સ્પર્ધકને ’ચીપ’ લગાવેલા સ્પેશિયલ ચેસ્ટ નંબર આપવામાં આવશે, જેથી દરેક સ્પર્ધકનો સમય ચોકસાઈપૂર્વક અને પારદર્શક રીતે નોંધી શકાય. આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજ્યના 24 જિલ્લાઓમાંથી સિનિયર અને જુનિયર કેટેગરીમાં કુલ 1377 ઉમેદવારોની અરજીઓ મળી હતી. જે પૈકી ચકાસણી દરમિયાન 292 અરજીઓ રદ કરવામાં આવી છે. હવે અંતિમ યાદી મુજબ કુલ 1115 સ્પર્ધકો ગિરનાર સર કરવા માટે તૈયાર છે. આ સપર્ધામાં ભાઈઓ માટે 5500 પગથિયાં (અંબાજી મંદિર સુધી) ચડવા અને ઉતરવાના રહેશે જયારે બહેનો માટે 2200 પગથિયાં (માળી પરબ સુધી) ચડવા અને ઉતરવાના રહેશે. વર્તમાન સમયમાં હૃદયરોગના હુમલા અને શ્વાસની તકલીફોના વધતા કિસ્સાઓને ગંભીરતાથી લેતા, વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો છે. ગિરનાર સ્પર્ધા અત્યંત કઠિન હોય છે અને સ્પર્ધકો ખૂબ ઝડપથી દોડતા હોય છે, જેના કારણે હૃદય પર ભારે દબાણ આવે છે. આથી, જો કોઈ પણ સ્પર્ધકને રસ્તામાં આવી સમસ્યા સર્જાય, તો તેને તાત્કાલિક જીવનરક્ષક સારવાર મળી રહે તે હેતુથી આજે મંગલનાથ બાપુના આશ્રમે વિશેષ તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા સ્પર્ધકો, વ્યાયામ શિક્ષકો, ટ્રેનરો અને સરકારી કર્મચારીઓ મળી કુલ 1500 થી વધુ લોકોને સી.પી.આર.ની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. આજે બપોર સુધીમાં તમામ સ્પર્ધકોનું રિપોર્ટિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. ભાઈઓ માટે સનાતન ધર્મશાળા અને કોળી સમાજની વાડી ખાતે વ્યવસ્થા કરવામાં આવી હતી. બહેનો માટે ભરવાડ સમાજની વાડી ખાતે રહેવાની અને રિપોર્ટિંગની સગવડ કરાઈ હતી. રિપોર્ટિંગ બાદ તમામ સ્પર્ધકોને તેમના ચેસ્ટ નંબર અને ટી-શર્ટ વિતરણ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં અત્યારે ગુલાબી ઠંડીનો માહોલ છે. ઠંડા પવનની લહેરખીઓ વચ્ચે ગિરનારના પથ્થરો પર દોટ મૂકવી એ કોઈ પડકારથી ઓછું નથી. આ સ્પર્ધા માત્ર શારીરિક બળ જ નહીં, પરંતુ માનસિક મક્કમતાની પણ કસોટી છે. રવિવારે વહેલી સવારે જ્યારે સ્પર્ધાનો પ્રારંભ થશે, ત્યારે સમગ્ર ભવનાથ તળેટી ’જય ગિરનારી’ના નાદથી ગુંજી ઉઠશે. તંત્ર દ્વારા ટ્રેક પર ઠેર-ઠેર પાણી, ગ્લુકોઝ અને મેડિકલ હેલ્પ ડેસ્ક તૈયાર રાખવામાં આવ્યા છે. વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ સતત નિરીક્ષણ કરી રહ્યા છે જેથી સ્પર્ધકોને કોઈ અગવડ ન પડે અને સ્પર્ધા નિર્વિઘ્ને પૂર્ણ થાય.
- Advertisement -
આજે રાત્રિથી યાત્રિકોએ ગિરનાર જવા પર પ્રતિબંધ
તારીખ 4 ના રવિવારે રાજ્યકક્ષાની ગિરનાર સ્પર્ધા યોજાનાર છે. સ્પર્ધા દરમ્યાન સ્પર્ધકોને અડચણ ન થાય એ માટે આજે તા.3 ના રાત્રીના બાર વાગ્યાથી તા.4ના બપોરે બાર વાગ્યા સુધી યાત્રિકોએ ગિરનાર પર જવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાને ધ્યાને રાખીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેની તમામ યાત્રિકોએ નોંધ લેવી તેમ એક યાદીમાં જણાવ્યું છે.



