રોગચાળો અટકાવવા તંત્ર દ્વારા કરાઈ રહેલો ડોર ટુ ડોર સર્વે
પાણીજન્ય રોગચાળો અટકાવવા 16710 ક્લોરીન ટેબલેટનું વિતરણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ કલેકટર અનિલ કુમાર રાણાવાસિયાના માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળો ન વકરે તે માટે ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામોમાં ઓપીડી એટલે કે, આરોગ્ય તપાસણી શરૂ કરવામાં આવી છે. આ સાથે જિલ્લામાં ડોર ટુ ડોર સર્વેના માધ્યમથી લોકોના આરોગ્યને તપાસવામાં આવી રહ્યું છે.
જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં 236 મેડિકલ કેમ્પમાં 4073 દર્દીઓને જરૂરી આરોગ્ય સારવાર આપવામાં આવી છે. ઉપરાંત રોગચાળાને અટકાવવા માટે ડોર ટુ ડોર સર્વેના માધ્યમથી આરોગ્ય કર્મીઓ દ્વારા લોકોના આરોગ્ય તપાસણી કરવામાં આવી રહી છે તાવ, ઝાડા, ઉલટી, શરદી-ખાંસી વગેરેની પ્રાથમિક દવાઓ અને સારવાર આપવામાં આવી રહી છે ઉપરાંત જરૂર જણાયે નજીકના સરકારી દવાખાનામાં દર્દીને રિફર કરવામાં આવે છે.
આરોગ્યલક્ષી જનજાગૃતિ કેળવવામાં આવી રહી છે, લોકોને સ્વચ્છ અને કલોરીનયુક્ત પાણી પીવા, ઝાડા ઉલટીના કેસમાં ઓઆરએસનો ઉપયોગ કરવા, વાસી અને બહારનો તુષિત ખોરાક નહીં ખાવા વગેરે જાણકારી લોકોને આપવામાં આવી રહી છે. પાણીજન્ય રોગ અટકાવવા માટે 16710 જેટલી ક્લોરીન ટેબલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ડોર ટુ ડોર સર્વે દ્વારા મચ્છરના ઉપદ્રવ વધે ન તે માટે પોરાનાશકની કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતોને પણ ક્લોરિનેશન કરવા માટે તાકીદ કરવામાં આવી છે અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા પાણીના ક્લોરીનેશનનો ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે.