ખેડૂતો હવે કુદરતી ખેતી તરફ આગળ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં કૃષિના પરંપરાગત પદ્ધતિઓના વિકલ્પરૂપે પ્રાકૃતિક કૃષિને વધાવા માટે આત્મા પ્રોજેક્ટ, જૂનાગઢ દ્વારા પ્રેરણાત્મક પગલાં તરીકે પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા 400 કરતાં વધુ ખેડૂતોએ આ પ્રવાસમાં ભાગ લીધો અને પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત કરી.
- Advertisement -
આ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ મુખ્ય તત્વો બીજામૃત, ધનજીવામૃત, જીવામૃત, વાપસા અને આચ્છાદન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ઉપરાંત, મિશ્ર પાક પદ્ધતિ તેમજ ઉત્પાદન બાદના મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાપન વિષે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. ખેડૂતોને માળખાગત દ્રષ્ટિએ પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરી શકાય, ઉત્પાદનની ગુણવત્તા અને જમીનની ઉપજશક્તિ જાળવી રાખી કેવી રીતે ખેતરમાં લાંબા ગાળે નફાકારકતા લાવી શકાય તેવી બાબતોને દૃષ્ટિએ લઈ વિશ્લેષણાત્મક માહિતી આપવામાં આવી. ખેડૂતોએ મૂળ ખેતી પદ્ધતિઓમાંથી હટીને રાસાયણિક રહિત ખેતી તરફ આગળ વધવાનો પ્રેરણાદાયી અનુભવ મેળવ્યો. આ પ્રકારના મોડેલ ફાર્મના નિરીક્ષણથી ખેતરમાં અપનાવવાની પદ્ધતિઓ સમજવા સહેલાઈ રહી હતી. આમ આ પ્રવાસ ખેડૂતો માટે માત્ર જ્ઞાનવર્ધક નહોતો, પણ તેમને નવી દિશામાં ખેતી કરવાની હિમ્મત અને ઉર્જા પણ આપી હતી. પ્રાકૃતિક ખેતીના આયામો અંતર્ગત જમીનને ઊંડાણપૂર્વક સમજી અને કુદરતી સાધનોના આધારે ખેતી કરવાની દિશામાં આ કાર્યક્રમ નેત્રત્વરૂપ સાબિત થયો છે.