સુરેન્દ્રનગર RTO અને ટ્રાફિક પોલીસે કલેક્ટર કચેરી અને આજુબાજુમાં ડ્રાઇવ રાખી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
સુરેન્દ્રનગરમાં અનેક લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. તેમને દંડ કરવા માટે ટ્રાફિક પોલીસ સમયાંતરે ડ્રાઇવ રાખતી હોય છે. પરંતુ મંગળવારે ટ્રાફિક અને આરટીઓએ સરકારી કર્મચારીઓ તથા કચેરીમાં આવતા લોકોને નિયમનું ભાન કરાવવા માટે ખાસ ડ્રાઇવ રાખી હતી. જેમાં કર્મચારીઓ સાથે કચેરીમાં આવેલા 40 લોકોએ સીટ બેલ્ટ અને હેલ્મેટ ન પહેર્યા હોય દંડ ફટકારાયો હતો.
સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, મહાનગરર પાલિકા સહિતની તમામ કચેરીઓ આવેલી છે. કચેરીમાં કામ કરતા તમામ કર્મચારીઓ બાઇક અથવા કાર લઇને ઓફિસે આવે છે. ઉપરાંત કચેરીઓમાં જુદા જુદા કામ માટે પણ અનેક લોકો આવતા હોય છે. આ લોકો કચેરીમાં જ નિયમોનું પાલન કરતા નથી હોતા. આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખીને આરટીઓ અધિકારી એસ.આર.ગામીત, એન.ડી.ઉપાધ્યાય અને ટીમની સાથે ટ્રાફિક પીએસઆઇ એલ.બી. બગડા સહિતના સ્ટાફે ખાસ કરીને કલેક્ટર કચેરી તથા કચેરીની બાજુમાં ચેકિંગ માટેની ખાસ ડ્રાઇવ રાખી હતી. જેમાં કચેરીમાં આવતા અધિકારીઓ અને કર્મચારીઓની સાથે કચેરીમાં આવેલા લોકોનું ચેકિંગ કર્યું હતું. જેમાં મોટા ભાગના કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર આવ્યા હતા તેમને તેમજ જે અધિકારીઓએ સીટ બેલ્ટ બાંધ્યા ન હતા તેવા 40 કર્મચારી સહિતનાને દંડ ફટકારવામાં આવ્યો હતો. ચેકિંગ દરમિયાન કુલ રૂ.35 હજારથી વધુની રકમનો દંડ પણ વસૂલ કરવા આવ્યો હતો.



