ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના 58 કેસ, 21 બાળકનાં મોત
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા, તા.20
- Advertisement -
રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે. ત્યારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 58 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 21 થયો છે. આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં વધુ એક ચાંદીપુરા વાઈરસથી 4 વર્ષના બાળકનું મોત થયું છે. શહેરના ગોત્રી વિસ્તારમાં મહાલક્ષ્મીનગરમાં રહેતા 4 વર્ષના બાળકની 18 જુલાઈથી શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસની સારવાર ચાલી રહી હતી, જોકે સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. સયાજી હોસ્પિટલમાં હાલમાં 7 બાળક સારવાર હેઠળ છે, જેમાં 5 બાળક આઈસીયુમાં દાખલ છે.
અત્યારસુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી, પણ હવે અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવાં મોટાં શહેરોમાં પણ જોવા મળી રહી છે. ચાંદીપુરા વાઈરસને લઈને સરકારે હેલ્પલાઈન નંબર 104 શરૂ કરી છે, જેમાં આ વાઈરસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી મળી રહેશે.
આરોગ્યની ટીમ દ્વારા અત્યારસુધીમાં કુલ 15414 ઘરમાં કુલ 87486 વ્યક્તિનાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. કુલ 4340 કાચાં મળેલાં ઘરોમાંથી તમામમાં મેલાથિયોન પાઉડરથી ડસ્ટિંગ કરવામાં આવ્યું છે.
પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા તાલુકાના નંદાપુરા અને મોટી કાટડી ગામે તેમજ મોરવા હડફ તાલુકાના ખાબડા-ખાનપુર તથા ઘોઘંબા તાલુકાના જીંજરી ગામે શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસના કેસ મળ્યા છે, જેમાં મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામે એક બાળકનું મોત થયું છે. એને લઈને જિલ્લા આરોગ્યતંત્ર હરકતમાં આવીને તમામ જગ્યાએ સઘન ચેકિંગ હાથ ધરી તમામ જગ્યા પર દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના 300 આરોગ્યના સબ સેન્ટરો ઉપરથી તેમજ 50 પીએસસી સેન્ટરો ઉપરથી તમામ ગામનાં પાકાં અને કાચાં મકાનોની માહિતી મેળવવામાં આવે છે અને તિરાડવાળાં મકાનો છે એમાં દવાનો છંટકાવ કરવામાં આવે છે.
18 જુલાઈ, 2024ના રોજ જામનગરની જી.જી.હોસ્પિટલમાં ચાંદીપુરાના બે શંકાસ્પદ કેસ નોંધાયા બાદ વધુ ત્રણ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. નવા ત્રણ દર્દીમાંથી એક બાળદર્દીનું મૃત્યુ થઈ ગયું છે. હાલ તમામ ચાર દર્દી આઈસીયુમાં સારવાર હેઠળ છે. રાજકોટમાં જ અત્યાર સુધીમાં 5 શંકાસ્પદ દર્દીનાં મોત થઈ ગયાં છે.