LCBએ કાર્યવાહી કરતા અનાજ માફિયાઓમાં ખળભળાટ
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.7
વેરાવળ જીઆઈડીસી વિસ્તારમાં એલસીબીએ એક ગોડાઉનમાં દરોડો પાડી ચોખા, ઘઉં અને બાજરાના 108 બાચકામાં રહેલા 5360 કિલોનો શંકાસ્પદ જથ્થો સીઝ કરી બે છકડો રિક્ષા સાથે ચાર શખસની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
વેરાવળ સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મોટાપાયે રેશનિંગના અનાજની ગેરકાયદે હેરાફેરી થતી હોવાની ચર્ચાઓ વચ્ચે એલસીબીને બાતમી મળી હતી. જેના આધારે સ્ટાફે જીઆઇડીસીમાં ત્રિવેદી વેબ્રીજ પાસેના ઈકબાલ પાણાવટુ મેમણ રહે.કોડિનાર તથા અસ્પાક રહીમ પટણી રહે.વેરાવળ વાળાના ગોડાઉનમાં દરોડો પાડયો હતો.
સ્થળ પરથી ચોખા ભરેલા બાચકા નંગ-76, વજન 3800 કિલો, કિં.રૂ.76 હજાર, ઘઉં ભરેલા બાચકા નંગ 28, વજન 1400 કિલો કિં.રૂ.28 હજાર, બાજરો ભરેલા બાચકા નંગ 4, વજન 160, કિલો કિં.રૂ.2400 તથા બે છકડો રીક્ષા મળી કુલ રૂ.2.56 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. આ સમયે ગોડાઉનમાં હાજર નઈમ ઇબ્રાહીમ જમાદાર, આસીફ ગુલામહુસૈન મુલ્તાની, સાદીક હુસૈન પટણી, ઝહીર આબેદહુસૈન કાદરી સૈયદ મુસ્લિમ ચારેય રહે.વેરાવળ વાળાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. આ અનાજનો જથ્થો પુરવઠા વિભાગને સોપીને રીપોર્ટ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.