ખેડૂતોને વિશ્ર્વાસમાં લેવા કપાસનું રોકડું પેમેન્ટ કરી બાદમાં છેતરપિંડી આચરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
- Advertisement -
ચૂડા પંથકમાં કપાસનું જીન ભાડે રાખી કરોડોનું ફુલેકું ફરનાર ઈસમો વિરુધ અંતે ગુન્હો નોંધાયો છે. જેમાં ગત વર્ષ દરમિયાન ચૂડા ખાતે આઝાદ જીન ભાડે રાખી જુદા જુદા ખેડૂતો અને કપાસ લે -વેચ કરતા દલાલો પાસેથી કુલ 28,644 મન કપાસ લઈ બાદમાં રૂપિયા બાકી રાખી તમામના આશરે 4.40 કરોડનું ફુલેકું ફેરવી નાશી ગયા હતા જે અંગે હવે ચૂડા પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ચૂડાથી વસ્તડી જવાના માર્ગે આવેલા આઝાદ જીન સાકિરહુંસેન વલીભાઈ માંકડ દ્વારા પોતાનું આઝાદ જીન ભાવેશ બાવાભાઈ ઝીંઝાળા રહે: ઉના વાળાને ભાડે આપ્યું હોય જેથી ચૂડા અને સાયલાના તમામ ખેડૂત તથા કપાસની લે વેચ કરતા દલાલો દ્વારા આઝાદ જીન ખાતે પોતાનો કપાસ વેચાણ કરતા હોય જ્યારે ગત નવેમ્બર 2024માં શરૂ કપાસની ખરીદી શરૂ કરેલ ત્યારે આ ભાડે રાખનાર ઈસમો દ્વારા શરૂઆતમાં ખેડૂતોને રોકડ રૂપિયા આપતા હોય પરંતુ જેમ સમય ગયો ત્યારબાદ ખેડૂતોને રૂપિયા બાકી રાખી આશરે 30 જેટલા ખેડૂતોના આશરે 28,644 મણ કપાસના રૂપિયા 4.40 કરોડ બાકી રાખી રાતોરાત જીન માલિકને ભાડું ચૂકવ્યા વગર નાશી ગયા હતા જે બાદ ખેડૂતો દ્વારા પોતાના કપાસ વેચાનંગેના રૂપિયાની ઉઘરાણી કરવા જતા માલુમ પડેલ કે આ જીન ભાડે રાખનાર ઈસમો ફુલેકું ફેરવી નાશી ગયા છે જેથી ચૂડા તથા સાયલા તાલુકાના આશરે ત્રીસથી પણ વધુ ખેડૂતો અને દલાલો દ્વારા પોલીસ મથકે છેતરપિંડી અંગે ગુન્હો નોંધાવવા માટે રજૂઆત કરી હતી જેમાં અનુભાઈ માનસંગભાઈ સિંધવ દ્વારા ભાવેશ બાવભાઈ ઝીંઝાળા, સલીમ યુનુસભાઈ આરવ, રિઝવાન ઉર્ફે ભાણો રસીદભાઈ ખોખર તથા રવિ અમરાભાઇ વાળા વિરૂદ્ધ છેતરપિંડીનો ગુન્હો નોંધાવતા સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.