મધ્યાહન ભોજન કેન્દ્રોનું અનાજ ખૂટ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 29000 મધ્યાહ્ન ભોજનના કેન્દ્ર પર 42 લાખ બાળકોને ભોજન વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે. જોકે, ફરી એક વખત મધ્યાહ્ન ભોજન કેન્દ્રો પર અનાજનો જથ્થો ખૂટી પડતા તાત્કાલિક જથ્થો પૂરો પાડવા મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં તેઓએ સ્પષ્ટ માંગ સાથે જણાવ્યું છે કે, જો હવે સમયસર જથ્થો આપવામાં નહીં આવે તો આગામી 15 તારીખ બાદ કેન્દ્રો બંધ કરવાની પણ ફરજ પડી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં કુલ 11 તાલુકાનો સમાવેશ થાય છે. જે પૈકી માત્ર 4 તાલુકામાં જ ઓક્ટોબર મહિનાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. જ્યારે 7 તાલુકામાં હજુ અનાજના જથ્થાની ફાળવણી કરવામાં આવી નથી.
- Advertisement -
ગુજરાત મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોરભાઈ જોષીએ જણાવ્યું હતું કે, મધ્યાહ્ન ભોજન યોજના માટે ઓકટોમ્બર માસ માટે નીચે મુજબના જિલ્લામાં અનાજ, દાળ, તેલ સહિતનો જથ્થો તારીખ 11-10-2023 થઈ હોવા છતાં ફાળવવામાં આવેલ નથી. જામનગરમાં ચાલુ મહિનાનો જથ્થો ઉપલબ્ધ નથી. બે માસથી દાળ નથી, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, પાટણ, જિલ્લામાં બિલકુલ જથ્થો મળેલ નથી. ઓનલાઈન પરમીટમાં બચત જથ્થો બાદ કરવામાં આવતા સંચાલક પાસે સ્ટોકમાં પણ જથ્થો નથી. આજે ઉપરોકત જિલ્લાના મોટાભાગના કેન્દ્રમાં જથ્થો નથી અને જથ્થાના અભાવે અમારે ના છુટકે કેન્દ્ર બંધ કરવાની ફરજ પડી રહી છે.
આ તરફ બે ત્રણ મહિનાથી જૂનાગઢ, માણાવદર, ખેડા જિલ્લામાં દાળ નથી. ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં બે માસથી દાળ નથી. ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ઘઉં-ચોખા નથી. આમ જોઈએ તો ગુજરાતના ઘણા જિલ્લામાં આવા ઘણા તાલુકામાં આજદિન સુધી દાળ, ચણા, અને ઘઉંનો જથ્થો ઉપલબ્ધ ન હોવાની ફરિયાદ મળી રહી છે. અમારા અમુક કેન્દ્રમાં બીલકુલ જથ્થો નથી. જો 15 તારીખ સુધીમાં જથ્થો નહીં આવે તો અમારે કેન્દ્ર બંધ કરવાની ફરજ પડશે.
1100થી વધુ મધ્યાહ્ન ભોજન કેન્દ્ર પર અસર
રાજકોટ જિલ્લાના મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળના ઉપપ્રમુખ નિલેશભાઈ જોષીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના કુલ 11 તાલુકાનો સમાવેશ થાય છે. 11 તાલુકામાં કુલ 1100થી વધુ મધ્યાહ્ન ભોજન કેન્દ્રો આવેલા છે. જેમાં 1 લાખ જેટલા બાળકો આ યોજનાનો લાભ લઇ રહ્યા છે. આ 11 તાલુકા પૈકી માત્ર 4 તાલુકામાં જ સરકાર દ્વારા જથ્થાની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ઉપલેટા, ધોરાજી, ગોંડલ અને રાજકોટ તાલુકાનો સમાવેશ થાય છે.
ડાયટ ચાર્ટમાં અધૂરી વિગત
સરકાર દ્વારા ડાયટ ચાર્ટ તૈયાર કરીને આપવામાં આવ્યો હોય છે. જેમાં સોમવારે નાસ્તામાં સુખડી, વેજીટેબલ ખીચડી અથવા શાકભાજી સહિત ભાત, મંગળવારે નાસ્તામાં કઠોળ ચાટ, જમવામાં ફાડા લાપસી, શાક અથવા મુઠીયા, બુધવારે નાસ્તામાં મિક્ષદાળ અને જમવામાં વેજીટેબલ પુલાવ, ગુરુવારે નાસ્તામાં કઠોળ અને જમવામાં દાળ ઢોકળી, શુક્રવારે નાસ્તામાં મુઠીયા અને જમવામાં દાળભાત અને શનિવારે નાસ્તામાં કઠોળ અને જમવામાં પુલાવ આપવા નક્કી કરવામાં આવ્યું છે.