ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડામાં ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા જૂનાગઢ એલસીબીએ આંતરરાજ્ય ચીખલીકર ગેંગનાં ચાર સભ્યોની અટક કરી લીધી છે. આ ગેંગ માંગરોળ પંથકમાં રહી ગામડામાં તગારા વેંચવાનાં નામે ફરી બંધ મકાનની રેકી કરતા હતાં. બાદ અન્ય સાથીને બોલાવી રાત્રીનાં ચોરી કરતા હતાં. પકડાયેલા શખ્સોએ કેશોદ અને વેરાવળમાં ચોરી કર્યાની કબુલાત આપી છે. તેમજ પોલીસે રૂપિયા 2.98 લાખનો મુદામાલ કબજે કર્યો છે.આ ઘટનાનાં પગલે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી જૂનાગઢ એલસીબી પીઆઇ એચ.આઇ.ભાટીનાં માર્ગદર્શનમાં ટીમે તપાસ હાથ ધરી હતી. ત્યારે એલસીબીને બાતમી મળી કે આ ચોરીની ઘટનામાં ચીખલીકર ગેંગની સંડોવણી છે અને આ ગેંગનાં સભ્યો વંથલી નજીકનાં કણજાધાર હાઇવે પર ભેગા થયા છે. બાતમીનાં આધારે એલસીબીની ટીમ પહોંચી ગઇ હતી અને ચીખલીકર ગેંગનાં શેરસિંગ ઉર્ફે સુરજસિંગ રણજીતસિંગ, પ્યારાસિંગ હજારસિંગ ખીચ્ચી, હીરાસિંગ લક્ષમણસિંગ પટવા અને દિપસિંગ સુરજસિંગ બાવરીને ઝડપી લીધા હતાં. આ શખ્સોની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આગાઉ કણજાધાર એકત્ર થયા હતા બાદ કેશોદ અને વેરાવળ ચોરી કરી હતી. આ ચીખલીકર ગેંગની એમઓ એવી હતી કે, આ ગેંગનો એક શખ્સ માંગરોળ ખાતે રહી ગામે ગામ ફરી તગારા વેંચવાનું કામ કરી દિવસમાં બંધ મકાનની રેકી કરતો હતો. બાદ રાત્રીનાં અન્ય સાથીઓને બોલાવી એક સાથે એકથી વધુ મકાનને નિશાન બનાવતા હતાં. જૂનાગઢ એલસીબીએ ચીખલીકર ગેંગને ઝડપી લઇ કેશોદ પોલીસનાં હવાલે કર્યા હતાં. તેમજ એલસીબીએ રોકડ રકમ 48,200, કાર સહિતનો રૂપિયા 2,98,200નો મુદામાલ કબજે કર્યો હતો.