વેરાવળમાં 4 ઇંચ વરસાદ 3 નંબરનું સિગ્નલ લાગ્યું
માણાવદર બાંટવા ખારા ડેમનાં દરવાજા ખોલતા કોડવાવ ગામે બેટમાં ફેરવાયું
- Advertisement -
હિરણ-2 ડેમનાં બે દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યાં: 16 ગામને એલર્ટ કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં સામાન્ય વરસાદ પરંતુ ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ ફરી ધમરોળ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં બે ઇંચથી લઇ 4 ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે. નદીઓમાં ઘોડાપુર આવ્યાં છે. તેમજ હિરણ નદીમાં ભારેપુર આવતા હિરણ-2 ડેમનાં 2 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યાં છે અને 16 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત વેરાવળ બંદરે 3 નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં અડધાથી એક ઇંચ વરસાદ થયો છે.
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં આજે સવારથી વરસાદે વિરામ લીધો હતો. બપોર સુધીમાં માત્ર એક મીમી વરસાદ થયો હતો. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 12 કલાકથી સામાન્ય વરસાદ થઇ રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં 12 કલાકમાં અડધા ઇંચથી લઇને એક ઇંચ સુધી વરસાદ થયો છે. જૂનાગઢ જિલ્લાનાં કેશોદ, વિસાવદર, માળિયા અને માંગરોળમાં એક ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. જયારે જૂનાગઢ, ભેંસાણ, મેંદરડામાં સામાન્ય વરસાદ થયો છે. ગઇકાલે માણાવદરમાં ભારે વરસાદ થયો હતો. માણાવદર પંથકમાં આવેલા બાંટવા ખારો ડેમનાં 9 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યાં હતાં. જેના પગલે કોડવાવ ગામ બેટમાં ફેરવાઇ ગયું હતું. જૂનાગઢ શહેરમાં રાત્રીનાં અને સવારથી વરસાદે વિરામ લીધો છે. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં રાત્રીનાં 12 વાગ્યેથી ભારે વરસાદ પડવાનું શરૂ થયું હતું. રાત્રીનાં 12 થી સવારનાં 6 વાગ્યા સુધીમાં જિલ્લામાં એક ઇંચ થી લઇને સાડા ત્રણ ઇંચ સુધી વરસાદ પડી ગયો હતો. સવારનાં 6 વાગ્યેથી ફરી વરસાદ શરૂ થયો હતો. જિલ્લામાં બે ઇંચ સુધી વરસાદ થયો હતો. છેલ્લા 12 કલાકમાં ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળમાં 4 ઇંચ, સુત્રાપાડામાં 4 ઇંચ, તાલાલામાં 3 ઇંચ, કોડીનાર અને ગીર ગઢડામાં બે-બે ઇંચ તથા ઉનામાં દોઢ ઇંચ વરસાદ થયો હતો. ગીર જંગલમાં ગઇકાલે ભારે વરસાદ થયો હતો.જેના કારણે હિરણ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. હિરણ નદી ઉપર ઉમરેઠી ગામમાં આવેલા હિરણ-2 ડેમનાં 2 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવતા તાલાલા તાલુકાનાં ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ, વેરાવળ તાલુકાનાં ભેરાળા, મંડોર, ઇશ્ર્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી, પ્રભાસ પાટણને એલર્ટ કરવામાં આવ્યાં છે.
- Advertisement -
તાલાલા, વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ વરસાદ
ગીર સોમનાથ જિલ્લાનાં તાલાલા અને વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય પંથકમાં વધુ વરસાદ થયો છે. અનેક ગામનાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. તેમજ ગામની શેરીઓમાં પાણી વહેવા લાગ્યું હતું.
વેરાવળની હરસિદ્ધી સોસાયટીમાં 8 દિવસથી પાણી ભરેલું
વેરાવળમાં 4 ઇંચ વરસાદ થયો છે. જેના પગલે અનેક સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયું છે. વેરાવળની હરસિદ્ધી સોસાયટીમાં છેલ્લા 8 દિવસથી પાણી ભરેલું છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.