અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો નોંધાયો વરસાદ, વાસણા બેરેજના 10 દરવાજા ખોલી 12,980 ક્યુસેક પાણી છોડાતાં નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ.
હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ સહિત ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. શનિવાર રાતથી અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે. હજુ પણ અનેક વિસ્તારોમાં ઝીંણા ઝીંણા છાંટા પડી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ પાણી ભરાવવાના કારણે શહેરના અંડરપાસ બંધ કરવા પડ્યા હતા. જોકે, હાલ પાણી ઉતરી જતા મીઠાખળી અંડરપાસ ફરી ખુલ્લો કરાયો છે.
- Advertisement -
વાસણા બેરેજના 10 દરવાજા ખોલાયા
ભારે વરસાદને લીધે સાબરમતી નદીમાં પાણીની આવક થઈ છે. જેથી વાસણા બેરેજના 10 દરવાજા ખોલીને 12,980 ક્યુસેક પાણી છોડાયું છે. પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. વહીવટી તંત્ર દ્વારા નવાપુરા, સરોડા, પાલડી સહિતના ગામોને એલર્ટ કરાયા છે. હાલ વાસણા બેરેજની સપાટી 127 ફૂટ છે.
અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
શહેરમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. શહેરના ગોમતીપુર, રખિયાલ સહિતના વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. પાણી ભરાવાના કારણે નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા વરસાદને લઈને કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જ્યાંથી CCTV કેમેરાના મધ્યમથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
ગતરોજ ઓઢવમાં નોંધાયો હતો વધારે વરસાદ
આપને જણાવી દઈએ કે, અમદાવાદમાં શનિવારે રાત્રે 2 વાગ્યાથી રવિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં સરેરાશ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઓઢવ વિસ્તારમાં સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાણીપ, ન્યુ રાણીપ, ચાંદલોડિયા, વિરાટનગર, ઓઢવ, મેમકોના વિસ્તારોમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. જોકે ગતરોજ રવિવારની રજા હોવાથી રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી જોવા મળી હતી.
- Advertisement -
વાહનચાલકો મુકાયા હતા મુશ્કેલીમાં
બીજી તરફ પાણી ભરાવવાના કારણે શહેરના બે અંડરબ્રિજ બંધ કરવા પડ્યા હતા. શહેરમાં અનેક જગ્યાએ ઘૂંટણ સમા પાણી ભરાયા હતા અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.