મહુવામાં બે કલાકમાં 2 ઈંચ વરસાદ: બે દિવસ વાવાઝોડાની શક્યતા, આજે 5 જિલ્લામાં ઑરેન્જ એલર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ છેલ્લા 2 દિવસમાં સરેરાશ 4થી 12 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. આવતીકાલ સુધીમાં ગુજરાત પર ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી હોવાથી આ કમોસમી વરસાદ ખેડૂતો માટે વધુ ખરાબ સાબીત થઈ શકે. ધોધમાર વરસાદની સાથે 55થી 65 કિમી પ્રતિકલાકની ઝડપે પવન પણ ફૂંકાશે, જેથી માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડવાનું એલર્ટ છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આજે 30 ઓક્ટોબર અને આવતીકાલે 31 ઓક્ટોબરના આ વિસ્તારોમાં 48 કલાકમાં વધારાનો 8 ઈંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. કચ્છમાં છૂટા-છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે. પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને આજે એટલે કે, 30 ઓક્ટોબર અને આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ મધ્યમથી ભારે વરસાદ અને સામાન્ય વાવાઝોડા થવાની શક્યતા છે. આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં વરાપની રાહ જોઈને બેઠેલા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભાવનગરના મહુવામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. તો અમરેલી અને ઉના પંથકમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં અંધારપટ્ટ સાથે અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ભાવનગર જિલ્લામાં સતત પાંચ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજરોજ વહેલી સવારથી શહેર તેમજ જિલ્લામાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. સવારે 6થી 10 સુધીમાં જિલ્લાના વલ્લભીપુરમાં 2 મિમી, ઉમરાળામાં 3 મિમી, ભાવનગરમાં 2 મિમી, સિહોરમાં 12 મિમી, ગારીયાધારમાં 1 મિમી, પાલીતાણામાં 7 મિમી, તળાજામાં 22 મિમી, મહુવામાં 53 મિમી અને જેસરમાં 7 મિમી વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી શહેર તેમજ જિલ્લામાં ક્યાંક સારો એવો તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે.



 
                                 
                              
        

 
         
        