ખાસ-ખબર સંવાદદાતા
આજે સવારે ગોધરા તાલુકાના દાહોદ હાઇવે પાસે આવેલા ગઢચુંદરી ગામે પાર્ક કરેલી બસને પાછળથી પૂરપાટ આવતી અન્ય બસે ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જેમાં બે વર્ષના બાળક સહિત એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતા વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત 17 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા-દાહોદ હાઈવે પર આવેલા ગઢચુંદડી ગામ પરવડી ચોકડી પાસે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. જેમા બે લકઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો. બસમાં સવાર ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 17 જેટલા ઘાયલ લોકોને ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા તંત્રના અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અકસ્માત વહેલી સવારે સાડાત્રણની આસપાસ થયો હોવાની માહીતી મળી રહી છે. અકસ્માતના પગલે ગોધરા સિવીલ હોસ્પિટલનુ સંકુલ 108ની સાયરનોથી ગુંજી ઉઠ્યુ હતુ. મોતના પગલે તેમના પરિવારજનોમાં પણ ગમનો માહોલ છવાઈ ગયો હતો. આ બનાવમાં 19 જેટલા લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગોધરા સિવિલ હોસ્પિટલના આરએમઓ આર એસ રાય જણાવ્યું હતું કે, 17 જેટલા મુસાફરોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે એક અઢી વર્ષના બાળક સહિત અન્ય એક પુરુષને વધુ સારવારની જરૂર જણાતાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાંથી વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલના સ્ટાફ સાથે મોકલી રીફર કરવામાં આવ્યા હતા.
ગોધરા-દાહોદ હાઇવે પર ઉભેલી બસની પાછળ બીજી બસ ઘુસી જતાં 4નાં મોત: 19ને ઈજા
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/11/godhra-bus-accident2-860x484.jpeg)