જૂનાગઢ બી-ડિવિઝન પોલીસની સફળતા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
જૂનાગઢ: નાયબ પોલીસ અધીક્ષક હિતેશ ધાંધલિયા અને બી-ડિવિઝન પી.આઈ. જે.જે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે ઘરફોડ ચોરી અને મોબાઈલ સ્નેચિંગના વણઉકેલાયેલા ગુનાઓ ઉકેલવા ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બે અલગ-અલગ આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.
ઝાંઝરડા રોડ પર મારુતિ એપાર્ટમેન્ટ અને શુભમ પેલેસમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે તપાસ હાથ ધરી વિરલ જીતુભાઈ ચૌહાણ (રહે. દોલતપરા, જૂનાગઢ) ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી એરબડ્સ, સ્માર્ટ વોચ, પ્યુમાના બૂટ, લેન્સકાર્ટના ચશ્મા, વનપ્લસ મોબાઈલ, રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ સ્પ્લેન્ડર મોટરસાયકલ સહિત કુલ રૂ. 65,500 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીએ રિલાયન્સ માર્કેટમાં શર્ટની ચોરી અને ગીતા લોજ પાસે પાકીટની ચોરીની પણ કબૂલાત કરી છે. જયારે અન્ય એક બનાવ તળાવ ફાટક પાસે રિક્ષામાં આવી ચાલુ રસ્તે મોબાઈલ સ્નેચિંગ કરનાર અને બસ સ્ટેન્ડ પરથી મોબાઈલની ચોરી કરનાર શબીર ઉર્ફે ગભરુ સુલેમાનભાઈ હાલા રહે. મેમણ કોલોની, જૂનાગઢને પોલીસે પકડી પાડ્યો છે. તેની પાસેથી ચોરીના બે કિંમતી મોબાઈલ અને ગુનામાં વપરાયેલ રિક્ષા જીજે01સીયુ 1465 સહિત કુલ રૂ. 80,000 નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આમ, પોલીસે ગણતરીના દિવસોમાં 4 જેટલા ગંભીર ગુનાઓ ડિટેક્ટ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં બી-ડિવિઝન પોલીસ સ્ટાફ અને નેત્રમ શાખાની મદદથી આરોપીઓને ઝડપી લેવાયા છે.



