ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કેશોદના ધાર વિસ્તારમાં દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. કુલ રુ. 4,90,335 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જોકે ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ. કે.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ પો.સબ ઈન્સ. ડી.કે. સરવૈયા અને તેમની ટીમને ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, કેશોદના ત્રણ શખ્સો બાવન ધાનાભાઈ ગરચર, સુરેશ ઉર્ફે ક્યો સરમણભાઈ કોડીયાતર અને આનંદ ભાયાભાઈ ઉલવા ભાગીદારીમાં બહારના રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો મંગાવી આનંદ ઉલવાના કબજા ભોગવટાના વાડામાં રાખી વેચાણ કરતા હતા. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કેશોદના ધાર વિસ્તારમાં દરોડો પાડતા ત્યાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ 534 બોટલ મળી આવી હતી. જેમાં દારૂ અને બિયરનો કુલ જથ્થો જેની કિંમત 4,90,335 આંકવામાં આવી છે. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી કેશોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. આ દરોડા દરમિયાન ત્રણેય આરોપીઓ સ્થળ પર હાજર ન હોવાથી તેમને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



