15 ગામમાં અંધારા, 378 થાંભલા પડી ગયા
રાજકોટ શહેરમાં વરસાદને લીધે 21 ફીડર બંધ પડી ગયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે વીજ વિતરણ વ્યવસ્થાને પણ અસર થઇ છે. સૌરાષ્ટ્રમાં વરસાદને લીધે વીજફોલ્ટ સર્જાયાની 398 ફરિયાદ પીજીવીસીએલના ગ્રાહક સેવા કેન્દ્રમાં નોંધાઈ છે જેમાંથી 233 ફરિયાદ માત્ર રાજકોટમાંથી થઇ છે.
મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રમાં 398 ફરિયાદમાંથી 177 ફરિયાદનું નિરાકરણ થયું હતું જ્યારે 221 ફરિયાદ પેન્ડિંગ રહી હતી. એવી જ રીતે રાજકોટ શહેરમાં નોંધાયેલી 233 ફરિયાદમાંથી 148 ફરિયાદનું નિરાકરણ થયું હતું જ્યારે 85 પેન્ડિંગ રહી હતી. સૌરાષ્ટ્રમાં જામનગરના 3, ભુજના 4 અને અંજારના 8 એમ કુલ 15 ગામમાં અંધારપટ સર્જાયો હતો. શહેરમાં પણ સોમવારે રાત્રે આવેલા ભારે વરસાદને કારણે 21 જેટલા ફીડર બંધ પડી ગયા હતા. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં 378 જેટલા વીજપોલ પણ ભારે પવન અને વરસાદને લીધે પડી ગયા હતા. રાજકોટ શહેરમાં સોમવારે રાત્રિના આવેલા ભારે પવન સાથેના વરસાદને પગલે અનેક વિસ્તારમાં વીજફોલ્ટ સર્જાયા હતા જેને ટેક્નિકલ ટીમોએ વરસતા વરસાદમાં ફિલ્ડમાં સતત કાર્યરત રહી દૂર કર્યા હતા. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જામનગરમાં 118 વીજપોલ જમીનદોસ્ત થઇ ગયા હતા.