રાજકોટમાં એરપોર્ટ પોલીસે મોટી કાર્યવાહી, ટ્રક ડ્રાઈવરની ધરપકડ
પેકુલ 5388 બોટલ વિદેશી દારૂના નંગ સાથે 31 લાખનો મુદ્દામાલ જપ્ત
- Advertisement -
રાજકોટ એરપોર્ટ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ગુજરાતની ચૂંટણીમાં મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ બિનહિસાબી નાણા અને દારૂનો જથ્થો મોટી સંખ્યામાં ઝડપાઈ રહ્યો છે. રાજકોટમાં એરપોર્ટ પોલીસે મોટી કાર્યવાહી કરતા ગુંદાળા પાટીયા નજીકથી 449 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 5,388 બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડ્યો હતો અને કુલ રૂ.31 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી તેમજ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ બામણબોર ચેક પો.સ્ટથી આગળ ગુંદાળા ગામના પાટીયા ખાતે વાહન ચેકીગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ મહાવીરસિંહ ચુડાસમાને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે રોડ ગુંદાળા ગામના પાટીયા પાસે આરોપી સાગારામ મુલારામ કડવાસરા ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરી કરશે. જેને પગલે પોલીસે ઘટના સ્થળે વોચ ગોઠવી હતી. જ્યાં ટ્રક પસાર થતા પોલીસે તેને અટકાવ્યો હતો. જેમાં મૂળ રાજસ્થાનનો વતની ટ્રક ડ્રાઈવર સાગારામ મુલારામ કડવાસરા મળી આવ્યો હતો અને પોલીસ દ્વારા ટ્રકની તલાશી લેતા તેમાં વિદેશી દારૂ ભરેલી 449 પેટી મળી આવી હતી જેમાં અલગ અલગ કંપનીઓની વિદેશી દારૂની 5,388 બોટલનો જથ્થો ઝડપાયો હતો. હાલ પોલીસે ટ્રક અને દારૂ સહિતના રૂ.31 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરીને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સર્જાય તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં
- Advertisement -
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજકોટ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થઈ શકે તે માટે ગ્રામ્ય પોલીસ દ્વારા ચૂંટણી જાહેર થયાના 18 દિવસમાં 12,960 લોકો પર વિવિધ ગુના હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ 115 જેટલા શખ્સને તડીપાર કરવામાં આવ્યા છે. જ્યારે જુગારધારાના 60 ઉપરાંત પ્રોહિબિશનના 554 કેસ કરવામાં આવ્યા છે. શહેરમાં દારૂ, માદક દ્રવ્યો તેમજ રોકડ સહિતની હેરાફેરી રોકવા શહેર ફરતે 9 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેર પોલીસ દ્વારા ચૂંટણી જાહેર થઈ ત્યારથી એટલે કે 3 નવેમ્બરથી 20 નવેમ્બર સુધીમાં 2544 ધરપકડ વોરંટ બજાવવામાં આવ્યા છે. જ્યારે 2929 હથિયાર જમા લેવામાં આવ્યા છે જ્યારે 33 જેટલા શખ્સોને પાસામાં ધકેલી દેવામાં આવ્યા છે