જી.એસ.મલિક અને અભય ચુડાસમા સહિત 25નું પ્રમોશન અને 4ને પોસ્ટિંગ મળ્યું
74 દિવસે સુરત શહેરને મળ્યા નવા પોલીસ કમિશનર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.15
લોકસભા 2024ની ચૂંટણીની વાતોની વચ્ચે ઘણા સમયથી ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની બદલીની પણ વાતો ચાલી રહી હતી, આ દરમિયાન ચૂંટણી પણ જાહેર થઈ ગઈ હતી. આ ચૂંટણી પ્રક્રિયા વચ્ચે ચૂંટણીપંચે બઢતી અને બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં એકસાથે 35 અધિકારીના બદલી અને બઢતીના આદેશ કરવામાં આવ્યા છે. આજે 74 દિવસથી ઇન્ચાર્જથી ચાલી રહેલા સુરતને હવે નવા પોલીસ કમિશનર મળી ગયા છે. હાલ વડોદરાના પોલીસ કમિશનર એવા અનુપમસિંહ ગેહલોતને સુરતના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે વડોદરાના પોલીસ કમિશનર તરીકે નરસિંમ્હા કોમરને મૂકવામાં આવ્યા છે. કરાઈ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ અભય ચુડાસમાને પ્રમોશન આપી અઉૠઙ બનાવવામાં આવ્યા છે. હાલ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક, અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત 20થી પણ વધુ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યાં છે.
જ્યારે અમદાવાદ શહેરમાં ત્રણ જગ્યાઓ ખાલી છે. જેમાં ડીસીપી ક્રાઈમ સેક્ટર વન જોઈન્ટ કમિશનર અને ઝોન વન ડીસીપીની જગ્યા હજી પણ ખાલી રહી છે. બીજી તરફ વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં પણ હજી ઘણા હુકમ થવાના બાકી છે, એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે હજી વધુ એક લિસ્ટ આવે તેવી શક્યતા છે. અમદાવાદ શહેરના ઝોન ડીસીપી તરુણ દુગ્ગલની બદલી કરીને મહેસાણા જિલ્લા એસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે પોસ્ટ ઇન્ચાર્જ તરીકે ચાલતી હતી તે ઝોન-7માં નવા ડીસીપીની નિમણૂક કરવામાં આવી છે. તેની સાથે સાથે હજી પણ અમદાવાદ શહેરમાં ત્રણ જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓ પણ ભરવી પડશે. તેની સાથે ઈકોનોમિક ઓફેન્સ વિંગના ડીસીપીની જગ્યા પણ ખાલી હોવાથી આ ખાલી પડેલી જગ્યાઓ ભરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
- Advertisement -
આણંદ જિલ્લા ડીએસપીની ખાલી પડેલી જગ્યા ભરાઈ ગઈ છે અને તેની જગ્યાએ એડીજી ઓફિસના ગૌરવ જસાણીને ડીએસપી તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે. બીજી તરફ સુરત શહેર પોલીસ કમિશનરની નિમણૂકનું કોકડું ગૂંચવાયું હતું, જ્યારે અમદાવાદ રેન્જમાં જે.આર. મોથલિયાને નિમણૂક આપ્યા બાદ રેન્જ આઈજીની જગ્યા ભરાય છે અને અમદાવાદ ગ્રામ્ય એસપી તરીકે ઓમ પ્રકાશ જાટને નિમણૂક આપવામાં આવી છે.જેના નામથી બુટલેગરો અને અપરાધીઓ ફફડે છે એવા આઇપીએસ અધિકારી અને સ્વચ્છ છબિ ધરાવતા નિર્લિપ્ત રાયને ડીઆઈજી તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે અને તેમને તે જ જગ્યા પર રાખવામાં આવ્યા છે. બીજી તરફ તેમને આગામી સમયમાં મહત્ત્વની જગ્યાએ પોસ્ટિંગ મળે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જ્યારે અભય ચુડાસમા, અજય ચૌધરી અને બીકે ઝા સહિતના અધિકારીઓને આઈજીમાંથી એડિશનલ ડીજીનું પ્રમોશન અપાયું છે. હાલ તેમને તે જગ્યાએ રાખવામાં આવ્યા છે અને એવું માનવામાં આવે છે કે આગામી સમયમાં ચૂંટણી બાદ તેઓને મહત્ત્વની જગ્યામાં પોસ્ટિંગ મળે તેવી શક્યતા છે.