એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત : પોલીસ સુરક્ષા સાથે તમામને વતન પહોંચાડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમેરિકામાંથી ડીપોર્ટ કરાયેલા 104 ભારતીયો સાથેનું વિમાન અમૃતસર પહોંચ્યા બાદ તેમાં સવાર 33 ગુજરાતીઓને આજે વહેલી સવારે અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને તેઓને પોલીસ સુરક્ષા સાથે પોતપોતાના વતન પહોંચાડવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પાછા ધકેલાયેલા ગુજરાતીઓએ પોતાના ચહેરા ઢાંકી રાખ્યા હતા. અમેરિકામાં પ્રમુખપદે ટ્ર્પ સરકાર સતાની સાથે જ ભારતીય સહિતનાં ગેરકાયદે વસાહતીઓને ડીપોર્ટ કરવાનું ઓપરેશન શરૂ ર્ક્યું હતું. અમેરિકી મીલીટ્રી વિમાનમાં 104 ભારતીયોને પાછા મોકલાયા હતા. આ ભારતીયો ગઈકાલે બપોરે અમૃતસર પહોંચ્યા હતા.તેમાં 33 ગુજરાતી હતા. અમૃતસર એરપોર્ટે પૂછપરછ તપાસ બાદ મોડીરાત્રે વિમાન માર્ગે ગુજરાત મોકલવામાં આવ્યા હતા. આજે સવારે 6 વાગ્યે ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. તમામે ચહેરા ઢાંકી રાખ્યા હતા.તમામને પોલીસ સુરક્ષા હેઠળ વતન મોકલાયા હતા. આજે સવારે ગુજરાત ભેગા કરાયેલા 33 ગુજરાતીઓ પૈકી 12-12 મહેસાણા તથા ગાંધીનગર જીલ્લાના હતા.જયારે ચાર સુરતના, બે અમદાવાદનાં તથા 1-1 વડોદરા ખેડા અને પાટણ જીલ્લાના હતા. રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, સૌ પ્રથમ અમૃતસર પહોંચેલા તમામ પ્રવાસીઓને ઈમીગ્રેશન વિભાગ દ્વારા તપાસ પુછપરછ કરવામાં આવી હતી. જે મોડીરાત સુધી ચાલ્યા બાદ વહેલી સવારે અમદાવાદ માટે રવાના કરવામાં આવ્યા હતા..અગાઉ રીપોર્ટમાં એમ કહેવાયું હતું કે, પરત આવેલા લોકો સામે કોઈ ફોજદારી ગુના હશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત પરત આવેલા પ્રવાસીઓને સુરક્ષા પુરી પાડવામાં આવી હતી. એરપોર્ટ પર પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
- Advertisement -
હાથકડી અને પગમાં સાંકળ: અમેરિકાએ શેર કર્યો ડિપોર્ટ કરાયેલા ભારતીયોનો VIDEO, ‘એલિયન્સ’ કહીને સંબોધ્યા
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોનો મામલો હાલમાં દેશ સહિત વિદેશમાં પણ ચર્ચામાં છે. તેના વિરોધમાં વિપક્ષના સાંસદોએ સંસદની બહાર પણ દેખાવ કર્યા હતા. આ દરમિયાન યુએસ બોર્ડર પેટ્રોલ (USBP)એ અમેરિકન સૈન્યના વિમાનમાં ગેરકાયદે પ્રવાસી ભારતીયોને ભારત પરત મોકલવા અંગેનો એક વીડિયો શેર કર્યો છે જે હવે ભારે ચર્ચામાં છે. યુએસ બોર્ડર પેટ્રોલના અધ્યક્ષ માઈકલ ડબ્લ્યૂ. બેંક્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું છે કે યુએસબીપી અને પાર્ટનર્સે સફળતાપૂર્વક ગેરકાયદે પ્રવાસીઓને ભારત મોકલી દીધા છે. આ અમેરિકાની સૌથી લાંબા અંતરની ફ્લાઈટ હતી. જો તમે ગેરકાયદે રીતે સરહદ ઓળંગશો તો તમને પરિણામ ભોગવવા પડશે. અમેરિકાના અધિકારીએ શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પાછા મોકલાયેલા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સના હાથમાં હથકડીઓ અને પગમાં સાંકળ બાંધેલી છે જેમાં તેઓ કેદીઓ જેવા લાગી રહ્યા છે. તેને લઈને ભારતની સંસદમાં પણ હોબાળો થતો જોવા મળ્યો હતો.