ભાજપની આવક રૂ. 443 કરોડ સાથે 23 ટકા વધી, કોંગ્રેસની રૂ. 88 કરોડ સાથે 14 ટકા ઘટી
કોંગ્રેસને 452 કરોડ રૂપિયા મળ્યા પણ ખર્ચ 467 કરોડનો કરી નાખ્યો, આપની 85 કરોડની આવક સામે 102 કરોડનો ખર્ચ
તમામ પક્ષોના 76 ટકા રૂ. 2361 કરોડ માત્ર ભાજપને મળ્યા, આવક સામે ખર્ચ પણ 57 ટકા જ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, એવામાં દેશના રાજકીય પક્ષોને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન મળેલા ફંડના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ પક્ષોને એક જ વર્ષમાં 3077 કરોડ રૂપિયાની આવક થઇ છે. કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપ ફંડ મેળવવામાં ગત વર્ષે પણ અગ્રેસર રહ્યો છે. ભાજપને સૌથી વધુ 2361 કરોડ રૂપિયા મળ્યા છે. આ આંકડા અસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ તમામ રાજકીય પક્ષોને મળેલા કુલ દાનમાં ભાજપને સૌથી વધુ 76.73 ટકા નાણા મળ્યા છે.
કોંગ્રેસને ગત નાણાકીય વર્ષ દરમિયાન 452.37 કરોડ રૂપિયા મળ્યા છે. જે તમામ પક્ષોને મળેલા કુલ દાનના 14.70 ટકા છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત બીએસપી, આપ, એનપીપી, સીપીઆઇ-એમ વગેરેએ પણ પોતાને ડોનેશન દ્વારા મળેલી આવકની વિગતો જાહેર કરી હતી. જેમાં ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા પ્રાપ્ત નાણાનો પણ સમાવેશ થાય છે. ભાજપને ગત નાણાકીય વર્ષ દરમિયાન ઇલેક્ટોરલ બોન્ડથી રૂ. 1294.14 કરોડ પ્રાપ્ત થયા છે. જ્યારે કોંગ્રેસને 171.02 કરોડ, આપને 45.45 કરોડ મળ્યા છે.
આ ઉપરાંત અન્ય એક ખુલાસો એ પણ થયો છે કે આ તમામ પક્ષોએ આશરે 2797.35 કરોડ રૂપિયાના બોન્ડ વટાવીને નાણા મેળવી લીધા છે. જેમાંથી 1510.62 કરોડ રૂપિયા રાષ્ટ્રીય પાર્ટીને મળ્યા છે. નાણાકીય વર્ષ 2021-22માં ભાજપને 1917.12 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે આ આંકડો ગત નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 443.72 કરોડ (23.15 ટકા)ના વધારા સાથે રૂ. 2360 કરોડને પાર પહોંચી ગયો હતો. જ્યારે તેનાથી વિપરીત કોંગ્રેસની આવકમાં આ સમયગાળા દરમિયાન 16.42 ટકા એટલે કે રૂપિયા 88 કરોડનો ઘટાડો થયો છે. આ ઉપરાંત ડાબેરી પક્ષ સીપીઆઇ(એમ)ની આવકમાં 12.68 ટકા (રૂ. 20 કરોડ), બસપાની આવકમાં 33.14 ટકા (રૂ. 14.50 કરોડ)નો ઘટાડો થયો છે. ચૂંટણી કમિશન સમક્ષ આપેલા આંકડાના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ભાજપને ગત વર્ષે જે 2360 કરોડ રૂપિયાની આવક થઇ તેમાંથી માત્ર 57 ટકાનો એટલે કે રૂપિયા 1361 કરોડનો જ ખર્ચ કર્યો છે. તેથી ભાજપ પાસે હાલ મોટી રકમ છે.
જ્યારે કોંગ્રેસને ગત વર્ષે 452 કરોડ રૂપિયાની આવક થઇ પણ તે જ વર્ષે ખર્ચ તેનાથી ત્રણ ટકા વધુ 467 કરોડ રૂપિયા થયો. સીપીઆઇ(એમ)એ પણ ગત વર્ષે થયેલી આવકની 75 ટકા રકમ ખર્ચી નાખી છે. તેવી જ રીતે આમ આદમી પાર્ટીને 85 કરોડ રૂપિયા મળ્યા હતા જ્યારે તે જ વર્ષે તેનો ખર્ચ 102 કરોડ રૂપિયા હતો. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે આ મહિને જ ઇલેક્ટોરલ બોન્ડને રદ કરી દીધા હતા, એવામાં આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે રાજકીય પક્ષોએ ઇલેક્ટોરલ બોન્ડના 2797.35 કરોડ રૂપિયા છોડાવી લીધા છે.