અનેક હોસ્પિટલો, અધ્યતન એમ્બ્યુલન્સ, વેક્સિનેશન સહિતની કામગીરી પાછળ કરોડોનું આંધણ છતાં સિંહના સૌથી વધુ મોત બીમારીથી થયાં!
વિધાનસભા ગૃહમાં વન અને પર્યાવરણ વિભાગે ચોંકાવનારી આપી માહિતી
- Advertisement -
268ના કુદરતી, અકસ્માતે 39 સિંહે જીવ ગુમાવ્યા
સિંહોની દેખરેખ પાછળ બે વર્ષમાં 37 કરોડથી વધુનો ખર્ચ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
એશિયાના ઘરેણા સમાન ગીરના સિંહોની કેવી દયનીય હાલત છે તેનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. ગુજરાતમાં 31મી જુલાઈ 2025ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં 307 સિંહોના મોત થયાં છે, જે પૈકી 268 સિંહોના કુદરતી રીતે અને 39 સિંહોના અકસ્માતે મોત થયાં છે. સિંહોના અકુદરતી રીતે મોત રોકવા માટે તકેદારીના ભાગરૂપે સરકાર દ્વારા પગલાં ભરાયા છે, તે પેટે બે વર્ષમાં 37.35 કરોડથી વધુનો ખર્ચ કરાયો છે. વર્ષ 2023-24માં 20.35 કરોડ અને 2024-25માં 17 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં બુધવારે બોટાદ ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નમાં રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના વનમંત્રીએ એક લેખિત સવાલના જવાબમાં આ માહિતી આપી હતી. ગુજરાતમાં સિંહોના મોતમાં વધારો જોવાઈ રહ્યો છે, ઓગસ્ટ 2023થી જુલાઈ 2024 સુધીમાં કુદરતી રીતે 124 અને અકસ્માતે 17 સિંહોના મોત થયા હતા, એ પછી ઓગસ્ટ 2024થી જુલાઈ 2025 સુધીમાં કુદરતી રીતે 144 અને અકસ્માતે 22 સિંહોના મોત થયાં છે. ગુજરાતના સાત જિલ્લાઓમાં અત્યારે કુલ 891 સિંહો છે, જે પૈકી સૌથી વધુ અમરેલી જિલ્લામાં 339 સિંહો છે. સિંહોના મોત રોકવા સરકારે શું પગલાં ભર્યા તેવા સવાલના જવાબમાં કહેવાયું છે કે, વન્ય પ્રાણીઓને બીમારી, અકસ્માત વખતે તાત્કાલિક સારવાર માટે વેટરનરી ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે, તકેદારી માટે વન્ય પ્રાણી મિત્રો તથા ટ્રેકર્સની નિમણૂક કરાઈ છે, અભ્યારણ્ય વિસ્તારથી પસાર થતાં જાહેર માર્ગો પર સ્પીડ બ્રેકરો મુકાયા છે. રાજુલા પીપાવાવ રેલવે ટ્રેકની આજુબાજુ ચેઈનલીંક ફેન્સિંગ કરવામાં આવી છે. સિંહોને રેડિયો કોલરિંગ કરવામાં આવ્યા છે. સિંહ તથા અન્ય વન્ય પ્રાણીની હત્યા રોકવા ક્ષેત્રિય સ્ટાફ દ્વારા સતત ફેરણા અને નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવે છે તથા સ્ટાફને હથિયાર, વોકીટોકી વગેરે ફાળવવામાં આવ્યા છે. અદ્યતન લાયન એમ્બ્યુલન્સ પણ વસાવવામાં આવી છે. ગીર બોર્ડર અને તેની આસપાસના રેવન્યુ વિસ્તારોમાં અસુરક્ષિત ખુલ્લા કૂવાઓને પેરાપેટ વોલ બાંધીને સુરક્ષિત કરવાની કામગીરી વન વિભાગ દ્વારા હાથ ધરાઈ છે, સક્કરબાગ તથા બરડામાં સાતવિરડા ખાતે કોરેન્ટાઈન ઝોન બનાવવામાં આવ્યા છે. સાસણ ખાતે હાઈટેક મોનિટરિંગ યુનિટની સ્થાપના અને ચાર ચેકિંગ નાકા પર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. સિંહોના સંરક્ષણ અને સંવર્ધન પાછળ કરોડોનું આંધણ કરવામાં આવતું હોવા છતાં અકુદરતી મોતને અટકાવવામાં વનતંત્ર નિષ્ફળ હોવાનું કમોતના આંકડા પરથી સ્પષ્ટ થાય છે.
બીમારી કઈ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કરાઈ
સૌથી વધુ કમોત બીમારીના કારણે થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે પરંતુ કઈ બીમારી તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. છેલ્લા ઘણા સમયથી સિંહોમાં સીડીવી હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ વનતંત્ર સીડીવી રોગ હોવાનો ઈન્કાર કરે છે. પ્રોજેક્ટ લાયન થકી કરોડોની ગ્રાન્ટ મેળવી સિંહોની ગંભીર બીમારીઓના રિસર્ચ, દવાઓના દાવાઓ પોકળ સાબિત થયા છે. કઈ બીમારી છે અને તે બીમારીનો ઉકેલ શું તે શોધવામાં વનતંત્ર નિષ્ફળ નિવડયું છે.
ગુજરાતના કયા જિલ્લામાં કેટલા સિંહ
અમરેલી339
ગીર222
જૂનાગઢ119
ભાવનગર116
પોરબંદર16
રાજકોટ06
દ્વારકા01
કુલ891
સિંહોના મોતના કારણો
કારણ 2023-24 2024-25
બીમારી 60 81
આંતરીક લડાઇ 38 36
વૃધ્ધાવસ્થા કુદરતી 24 27
કુદરતી હોનારત 02 00
રોડ અકસ્માત 01 01
રેલ અકસ્માત 05 00
વીજ કરંટ 01 02
કૂવામાં પડી જવું 07 13
પાણીમાં ડૂબી જવું 03 06
કુલ 141 166



