300 મિસાઈલ લોન્ચર ખતમ: વીજળી-પાણી પુરવઠો ખોરવાયો
ઈરાને ઈઝરાયલ સહિત 12 દેશો પર હુમલો કર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે સાતમો દિવસ છે. ઇરાનની રેડ ક્રેસન્ટ સોસાયટીએ જણાવ્યું છે કે અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં દેશભરમાં 3,000થી વધુ ઘરો અને લગભગ 500 દુકાનોને નુકસાન થયું છે. આ હુમલાઓની સૌથી વધુ અસર રાજધાની તેહરાનમાં થઈ છે. સંસ્થાના જણાવ્યા અનુસાર 14 હોસ્પિટલો અને મેડિસિન સેન્ટરો પણ હુમલામાં ક્ષતિગ્રસ્ત થયા છે. સંસ્થાએ એમ પણ જણાવ્યું કે તેના 5 રાહતકર્મીઓ આ હુમલામાં ઘાયલ થયા છે.
આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનના 1200થી વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે લગભગ 300 ઈરાની મિસાઈલ લોન્ચર્સ પણ નષ્ટ થઈ ગયા છે. યુદ્ધના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં વીજળી અને પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે.
ઇઝરાયલી સેનાએ જણાવ્યું કે વાયુસેનાએ બુધવારે રાત્રે થોડા જ કલાકોમાં ઈરાનના 6 બેલિસ્ટિક મિસાઈલ લોન્ચર તબાહ કરી દીધા. સેનાના જણાવ્યા અનુસાર આ લોન્ચર્સ ઇઝરાયલ પર મિસાઈલ છોડવાની તૈયારીમાં હતા, પરંતુ હુમલાના થોડા મિનિટ પહેલા જ તેમને નષ્ટ કરી દેવામાં આવ્યા. ઈરાન યુદ્ધના પહેલા 100 કલાકમાં જ અમેરિકાએ લગભગ 3.7 અબજ ડોલર (33 હજાર કરોડ રૂપિયા) ખર્ચ કર્યા છે. રિપોર્ટ અનુસાર અમેરિકા દરરોજ લગભગ 891 મિલિયન ડોલર (8 હજાર કરોડ રૂપિયા) ખર્ચ કરી રહ્યું છે. ઇરાને અત્યાર સુધી અમેરિકા અને ઇઝરાયલ સહિત 12 દેશો પર હુમલો કર્યો છે. આ દેશોમાં ઞઅઊ, કતાર, બહેરીન, જોર્ડન, ઇરાક, કુવૈત, ઓમાન, સાઉદી અરેબિયા, સાયપ્રસ, સીરિયા અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે. અમેરિકી સેનાએ જણાવ્યું કે યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનના 30થી વધુ જહાજો ડૂબાડી દેવામાં આવ્યા છે. આમાં એક એવું જહાજ પણ સામેલ છે જેનો ઉપયોગ ડ્રોન લોન્ચ કરવા માટે થતો હતો. અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે પણ કહ્યું છે કે તેમની સેના ઈરાન સામેની લડાઈને વધુ તેજ કરવા જઈ રહી છે. અમેરિકા પાસે હથિયારો અને દારૂગોળાની કોઈ કમી નથી. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ઈરાન સામે જમીની હુમલા નહીં કરે, કારણ કે તે સમયનો બગાડ હશે.
ઇઝરાયલે લેબનોનની રાજધાનીમાં 26 બોમ્બ ફેંક્યા
- Advertisement -
ઇઝરાયલની સેનાએ લેબનોનની રાજધાની બેરુતના દક્ષિણ વિસ્તાર દહિયામાં અનેક હવાઈ હુમલા કર્યા. સેનાના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં 26 વખત બોમ્બમારો કરવામાં આવ્યો. ઇઝરાયલનું કહેવું છે કે આ હુમલાઓમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં સંગઠનની ઓફિસ અને ડ્રોન રાખવાનો ગોદામ શામેલ છે. લેબનોનના આરોગ્ય મંત્રાલય અનુસાર, સોમવારથી અત્યાર સુધીમાં ઇઝરાયલી હુમલાઓમાં 123 લોકોના મોત થયા છે અને 683 લોકો ઘાયલ થયા છે.



