કોન્ટ્રાક્ટ તબીબી શિક્ષકોને મળશે લાભ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
- Advertisement -
ગુજરાત સરકારે સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે 11 મહિનાના કોન્ટ્રાક્ટથી ફરજ બજાવતા તબીબી શિક્ષકોના માસિક વેતનમાં 30થી 55 ટકાનો વધારો કર્યો છે, જેનો અમલ ઑક્ટોબર 2024ના પગારથી થશે. આરોગ્ય વિભાગે આ બાબતે બુધવારે ઠરાવ બહાર પાડયો હતો. આશરે 350થી 400 તબીબી શિક્ષકોને આ વેતન વધારાનો લાભ મળશે.
કરાર આધારિત તબીબી શિક્ષકો રાખવાની પોલિસી તા.31-3-2020થી લાગુ થઈ છે, એટલે સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં કોન્ટ્રાક્ચુઅલ એપોઇન્ટમેન્ટથી ફરજ બજાવતા આ તબીબી શિક્ષકોના વેતનમાં ચાર વર્ષ બાદ પહેલીવાર વધારો થઈ રહ્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,ચાર કેટેગરીના 11 મહિનાના કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં આ મોટો વધારો લાગુ થશે. ખાનગી પ્રેક્ટિસ સિવાયના કરાર આધારિત તબીબી શિક્ષકોને આ વેતન વધારાનો લાભ મળશે, જેને કારણે સરકારી હોસ્પિટલોમાં તબીબો અને શિક્ષકોની ઘટ ઓછી કરવામાં પણ આ નિર્ણય મદદરૂપ બનશે.