ફુલ જેવા બાળકનું મોત નિપજતા પરિવારમાં
કાળો કલ્પાંત
મજૂર પરિવાને તેમના ઘર ઓરિસ્સા મોકલી દીધા, ભીનું સંકેલવા બિલ્ડરોનો પ્રયાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં શરણમ હાઈટ્સ બિલ્ડિંગનું નિર્માણ ચાલી રહ્યુ છે. આ નિર્માણધિન સાઈટના 14મા માળેથી નીચે પટકાતા 3 વર્ષીય બાળક આર્યન મનોજભાઈ મંગરાજનું મોત નિપજ્યું છે. બાળકનું મોત નિપજતા તેમના પરિવારમાં કાળો કલ્પાંત અને રહીશોમાં ગમગીની વ્યાપી ગઇ હતી. 14મા માળે બાળક રમતુ હતું ત્યારે અચાનક જ ત્યાંથી નીચે પડતા જ બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામા આવ્યું હતું જ્યાં તેમને મૃત જાહેર કરવામા આવ્યો હતો. જો કે, આ ઘટના પછી સવાલ થઇ રહ્યા છે કે, સાઈટ પર નાના બાળકને કામ કરવાની પરમીશન હતી કે કેમ? સેફ્ટીનું ધ્યાન રખાયું હતું કે કેમ, તે તમામ સવાલો થઇ રહ્યા છે. અગાઉ પણ રૈયા ગામ નજીકના ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર સ્થિત શિલ્પન ઓનેક્સ નામની રેસિડેન્સીમાં નોકરી કરતાં બે નેપાળી ચોકીદારની બે પુત્રીના ગઇકાલે સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
- Advertisement -
બિલ્ડરોએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ
આ ઘટના બનતા જ શરણમ હાઈટ્સના બિલ્ડર અનીલ મોરીધારા તથા જયદીપ ટાંક ભૂગર્ભમા ઉતરી ગયા છે. ખાસ ખબર દ્વારા બિલ્ડોરોનો સંપર્ક કરાતા ફોન ઉપાડવાના બંધ કરી દીધું હતુ. જ્યારે આ બિલ્ડિંગના કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરાતા જણાવ્યુ હતું કે, મજૂર પરિવારને તેમના ઘર ઓરિસ્સા મોકલી દેવામાં આવ્યો છે.