ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાંથી મકાનના સ્લેબ ભરવાના ચોકાની ચોરી કરનાર ત્રિપુટીને એલસીબીએ ઝડપી લઇ 1,26,250નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે ચાર જગ્યાએ ચોરી કરી હોવાની કબુલાત આપી છે. મકાનના સ્લેબ ભરવાના લોખંડના ચોકાની ચોરી થઇ હોવાની બી ડિવીઝનમાં 3 ફરિયાદ થઇ હતી.બાદ એસપી રવિ તેજા વાસમસેટ્ટીની સૂચના મુજબ એલસીબીએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી કે આ ગુનામાં ખામધ્રોળ વિસ્તારના સાહિલ ફિરોજખાન પઠાણ,સમીર ઇકબાલ દોમાન અને આમીર રફિકભાઇ સુમરાની સંડોવણી છે.
આ શખ્સો ચોરી કરેલા ચોકા ભરીને ખામધ્રોળ તરફ જવાના છે. બાદમાં એલસીબી પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે રેઇડ પાડી જોષીપરા પાદર ચોક પાસેથી ત્રણેયને ઝડપી લીધા હતા. એલસીબીએ 21,250ના ચોકા,50,000ની કિંમતની જીજે 06 એયુ 2475 નંબરની રીક્ષા અને 30,000 ની કિંમતનું બાઇક, 25,000નો મોબાઇલ મળી કુલ 1,26,250નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ તપાસમાં આરોપીએ કુલ 4 જગ્યાએ ચોરી કરી હોવાની કબુલાત કરી છે. તમામ આરોપીને વધુ તપાસ અર્થે બી ડિવીઝન પોલીસને હવાલે કરાયા છે.