અકસ્માત બાદ પલ્ટી મારેલી ટ્રોલી સીધી કરી ચાલક ટ્રેકટર લઈ ફરાર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
કેશોદ નજીક બાયપાસ તરીકે ઓળખાતાં જેતપુર સોમનાથ નેશનલ હાઇવે પર ટ્રેકટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 3 લોકોને ઇજા પહોંચી હતી. આ ત્રણેય ઇજાગ્રસ્તોને 108 મારફત કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. ઇજાગ્રસ્ત કાર ચાલક પરિવાર રાજકોટના મહાવીરસિંહ લખધિરસિંહ જાડેજા, ધર્મિષ્ઠાબેન, બાબુભાઇ દાવેરા હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી જેમાં બાબુભાઈ નામના વૃદ્ધને વધુ સારવાર માટે જુનાગઢ રિફર કરવામાં આવ્યાં હતાં.
- Advertisement -
ટ્રેક્ટર સાથે અથડાયેલી કાર ડિવાઈડર ઉપર ચડી હતી આ અકસ્માતથી કારનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થયો હતો પરંતુ એર બેગ ખુલી જતાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જો કે ઘટના સ્થળે અકસ્માત બાદ પલ્ટી મારેલી ટ્રોલી સીધી કરી ટ્રેક્ટર ચાલક ટ્રેકટર લઈ ફરાર થયો હતો. પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે ટ્રેક્ટર ચાલકને પકડી પાડવા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.