એક શખ્સ પૂર્વ હોમગાર્ડ જવાન અને બીજો આઉટસોર્સિંગથી પોલીસ વિભાગમાં ડ્રાઇવર
અગાઉ પણ આ પોલીસ ડ્રાઇવર દારૂના જથ્થા સાથે પકડાયો હોવાની વિગતો સામે આવી છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.2
ગીર સોમનાથ એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે, હરિયાણાથી વેરાવળ રેનોલ્ટ કારમાં વિદેશી દારૂની સપ્લાય કરવા ત્રણ ઈસમો આવી રહ્યા છે. જે અંતર્ગત એલસીબી પીઆઇ એ.બી.જાડેજા, પીએસઆઇ એ.સી.સિંઘવ, એ.એસ.આઈ નરવણસિંહ ગોહિલ, ગોવિંદભાઈ વંશ અજીતસિંહ પરમાર, નટુભા બસિયા, ગોવિંદસિંહ વાળા તેમજ નરેન્દ્ર પટાટ સહિતનો સ્ટાફ વેરાવળ જુનાગઢ રોડ પર આવેલા ડારી ટોલ બૂથ ઉપર વોચમાં રહ્યા હતા.વહેલી સવારે 05:15 વાગ્યાના સુમારે બાતમીવાળી GJ 01 RC 9269 ની કારને રોકાવી તલાસી લેતાં કારમાં પાછળના ભાગે છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે કારમાં પોલીસ વિભાગમાં જ આઉટસોર્સ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો પૂર્વેશ ઉર્ફે મહાજન રાઠોડ નામનો કર્મચારી જોવા મળતાં પોલીસ પણ દંગ રહી ગઈ હતી. આ સાથે કોડીનારના મિત્યાજ ગામે રહેતા અને અગાઉ હોમગાર્ડમાં ફરજ બજાવી ચૂકેલો ધર્મેશ ધનજી કવા તેમજ તેનો પિતરાઈ ભાઈ સતીશ પ્રવીણ કવા પણ ઝડપાયા હતા.
પોલીસે GJ 01 RC 9269 નંબરની રીનોલ્ટ કારમાંથી રૂ.1,32,792ની કિંમતની રેડલેબલ, બેલેન્ટાઈન, એબ્યુલટ વોડકા જેવી ઊંચી બ્રાન્ડની 120 બોટલ મળી આવતાં ત્રણેયની આગવી ઢબે પૂછપરછ કરતાં ત્રણેય ઈસમો પોપટ બની ગયા હતા. આ દારૂનો જથ્થો હરિયાણાના ગુરુગ્રામમાંથી કુલવિંદર નામના વિદેશી દારૂના સપ્લાયર પાસેથી મેળવી વેરાવળના મોટા કોળીવાડામાં રહેતા બુટલેગર હિંમત રામજી ગાવડીયાને પહોંચાડવા માટે લાવ્યા હોવાની કબૂલાત આપી હતી.