વેરાવળ સીટી સર્વેલન્સ સ્કવોડે છેતરપિંડી આચરનાર ટોળકીને પકડી 80 હજારની રકમ રિકવર કરી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
વેરાવળ સિટી સર્વેલન્સ સ્કવોડે નકલી સોનાની માળા વેચીને છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે આ કેસમાં જૂનાગઢના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી છેતરપિંડીના 80 હજાર રૂપિયા કબજે કર્યા છે. ગત 6 મેના રોજ વેરાવળ રેલવે સ્ટેશન પાસે વી-માર્ટ મોલની ગલીમાં સવારે 9 વાગ્યે બનેલી ઘટનામાં, આરોપીઓએ એક મહિલા મંજુબેનને નિશાન બનાવી હતી. આરોપીઓએ ધાતુની માળાને સોનાની ગણાવી હતી અને તેમની માતા હોસ્પિટલમાં હોવાનું કહી પૈસાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.
આરોપીઓએ એક લાખની કિંમતની માળા 80 હજાર રૂપિયામાં વેચવાની વાત કરી હતી. મંજુબેને પૈસાની વ્યવસ્થા કરી અને રેલવે સ્ટેશન પાસે માળાની ડિલિવરી લીધી હતી. પરંતુ સોની પાસે ચકાસણી કરાવતા માળા નકલી નીકળી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામી અને પીએસઆઈ આર.આર. રાયજાદાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડે તપાસ હાથ ધરી હતી. નેત્રમ શાખા ગીર સોમનાથના ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને રામભરોસા ચોક પાસેથી ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં રૂડારામ ગંગારામ વાધેલા, નાનજીભાઈ પ્રભુભાઈ સોલંકી અને અમૃતભાઈ ત્રિકમભાઈ સોલંકી (તમામ રહે. જૂનાગઢ)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી છેતરપિંડીની સંપૂર્ણ રકમ રૂ. 80,000 કબજે કરી છે.



