રાજકોટની ફી નિયમન સમિતિ અધૂરી બની
ખાસ-ખબર સંવાદદાતા
ખાનગી શાળાઓની ફી પર નિયંત્રણ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન સમિતિની રચના કરેલી છે. જોકે સૌરાષ્ટ્રના 11 જિલ્લાની ખાનગી શાળાઓની ફી નક્કી કરતી રાજકોટની આ ફી નિયમન કમિટી અધુરી બની છે. કમિટીના 5 માંથી 3 સભ્યોની મુદ્દત દોઢ માસ પહેલા જ પૂર્ણ થઈ ગઈ છે, તેમ છતાં હજુ સુધી નવા સભ્યોની રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી નથી. તેને કારણે ખાનગી શાળાઓની ફી નક્કી કરવી મુશ્કેલ બને છે. જો આગામી સમયમાં પણ સમિતિના તમામ સભ્યોની નિમણૂક કરવામાં નહીં આવે તો ખાનગી શાળાઓની ફી નક્કી કરવામાં મોડું થશે અને તેનું નુકસાન વિદ્યાર્થીઓને ભોગવવું પડશે.રાજકોટની ફી નિયમન સમિતિ હેઠળ અત્યાર સુધી 10 જિલ્લાઓ હતા, પરંતુ હવે તેમાં વધુ 1 જિલ્લો ઉમેરાયો છે. રાજકોટ ઋછઈ હેઠળ અત્યાર સુધી રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર એમ 10 જિલ્લા હતા. જો કે હવે બોટાદ જિલ્લો પણ સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટની ફી નિયમન સમિતિ હેઠળનો ગણાશે. એટલે કે, 11 જિલ્લાઓની ખાનગી શાળાઓની ફી નક્કી કરવાની જવાબદારી રાજકોટની ફી નિયમન કમિટીની છે. જોકે અહીં છેલ્લા દોઢ માસથી 5 માંથી 3 સભ્યોની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે. જેને લીધે ખાનગી શાળાઓની ફી નક્કી કરવામાં મુશ્કેલી સર્જાઈ છે.
રાજકોટની ફી નિયમન કમિટીમાં હાલ ચેરમેન તરીકે નિવૃત્ત મહિલા જજ પી.જે. અગ્રાવત અને સભ્ય તરીકે શિક્ષણશાસ્ત્રી એ.એ. સેતા છે.
આ સિવાયના 3 સભ્યો એટલે કે શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ અજય પટેલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જી.બી.દેવળિયા અને સિવિલ એન્જિનિયર વી.સી. પાઠકની મુદ્દત ઓક્ટોબર માસમાં જ પૂર્ણ થઈ ગઈ છે. આ ઉપરાંત રાજકોટમાં તો કાયમી જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલા પણ નિવૃત થઈ જતા હવે તેઓ નિયમન સમિતિમાં નથી રહ્યા, તેને કારણે કાર્યકારી જિલ્લા શિક્ષણ અધિકારી નમ્રતા મહેતાની પણ ઓફિસિયલી આ કમિટીમાં હજુ સુધી નિમણૂક કરવામાં આવી નથી. રાજકોટની જેમ જ અન્ય ઝોન જેવા કે, અમદાવાદ, સુરત અને વડોદરાની ફી નિયમન સમિતિમાં સભ્યોની નિમણૂક બાકી છે. રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓની ફી નક્કી કરતા ચારેય ઝોનમાં મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે તેવા સભ્યોની નિમણૂક કરવામાં નહીં આવે તો રાજ્યભરમાં ખાનગી શાળાઓની સમયસર ફી નક્કી નહીં થાય, ત્યાં સુધી ખાનગી શાળાઓ માગે તેટલી ફી ભરી વાલીઓ લૂંટાતા રહેશે.