ગેંગના સભ્યો પાસેથી ₹9.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી એલસીબી ટીમે ’સસ્તું સોનું આપવાના બહાને’ મહિલાને નકલી સોનું આપી છેતરપિંડી કરનાર ’બાવરી ગેંગ’ના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોરબંદરની એક મહિલાને સસ્તા સોનાની લાલચ આપીને આ ગેંગે ₹10 લાખનો ચૂનો ચોપડ્યો હતો.
- Advertisement -
માહિતી મુજબ, પોરબંદરના માધુપુર (ઘેડ) ખાતે રહેતા વનિતાબેન ચૌહાણને આરોપીઓએ સોનું ખરીદવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. તા. 16/06/2025ના રોજ વનિતાબેનને ધારી ખાતે બોલાવી, ખોટું સોનું આપી તેમની પાસેથી ₹10 લાખ લઈ વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી. આ અંગે વનિતાબેને ધારી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા – 2023ની કલમ 318(2) અને 318(4) મુજબ ગુનો નોંધાવ્યો હતો.
અમરેલી એસપી સંજય ખરાતની સૂચના અને એલસીબી પીઆઇ વી.એમ. કોલાદરાની રાહબરી હેઠળ એલસીબી ટીમે ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અંગે સઘન તપાસ હાથ ધરી હતી. ફરિયાદીની પૂછપરછ અને ટેકનિકલ સોર્સના આધારે, દિલીપ જીવનભાઈ સોલંકી (રહે. જૂનાગઢ), ઈશ્વર ગંગારામ વાઘેલા (રહે. જૂનાગઢ) અને આસિફ ભીખુશા રફાઈ (ઉં.વ.31, રહે. માંગરોળ, જિ. જૂનાગઢ) એમ ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલ ઇસમો પાસેથી રોકડ રકમ, નકલી સોનાના સિક્કા અને એક ઓટો રિક્ષા સહિત કુલ ₹9,58,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર ફરાર આરોપીઓ રાજેશ ઉર્ફે રાજુભાઈ જીવનભાઈ સોલંકી, મોહન ગંગારામભાઈ વાઘેલા, ગોવિંદ દેવાભાઈ રાઠોડ અને જાબીર ઇકબાલભાઈ બાનવાને પકડી પાડવા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. અને મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે ધારી પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા છે. આ કામગીરી અમરેલી એલ.સી.બી. પીઆઇ વિજય કોલાદરા, પીએસઆઇ કે.ડી.હડીયા,એમ.ડી.ગોહિલ તથા આર.એચ.2તન, જાહીદભાઇ મકરાણી, કુલદીપભાઇ દેવભડીંગજી, આદિત્યભાઇ બાબરીયા, તુષારભાઇ પાંચાણી, ભાવિનગીરી ગૌસ્વામી, શિવરાજભાઇ વાળા, રમેશભાઇ સીસારા દ્વારા કરવામાં આવેલ છે.
- Advertisement -
ગુના કરવાની મોડસ ઓપરેન્ડી
પકડાયેલા આરોપીઓએ કબૂલ્યું છે કે તેમણે પોરબંદરની મહિલા ઉપરાંત જૂનાગઢમાં બે પુરુષો સાથે પણ પીળા ધાતુના નકલી સોનાના સિક્કા સસ્તા આપવાની લાલચ આપીને છેતરપિંડી કરી હતી. આ ગેંગ સસ્તા ભાવે સોનું લેવા માટે લોકોને લાલચ આપતી હતી. પહેલા નમૂના તરીકે સાચા સોનાનો સિક્કો આપી વિશ્વાસ કેળવતી હતી, અને બાદમાં આવા ઘણા બધા સિક્કા સસ્તા ભાવે મળશે તેવો વિશ્વાસ અપાવીને, સોનું લેવા માંગતા લોકોને મોટી રકમ સાથે અલગ જગ્યાએ બોલાવી, તેમની પાસેથી પૈસા લઈ સોનાના બદલે ધાતુના નકલી સોના જેવા દેખાતા સિક્કાઓ આપી છેતરપિંડી કરવાની તેમની ટેવ હતી.