ખીરસરાના વ્યાજખોર સામે મેટોડાના વેપારીએ નોંધાવી મનીલેન્ડ એક્ટ હેઠળ ફરિયાદ
ચેક બાઉન્સ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી વધુ 3 લાખની માંગણી કરતો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મેટોડાના યુવાને પત્નીની સારવાર માટે લીધેલ 2.75 લાખ સામે 3 લાખની રોકડ, મકાન, દુકાનમાં દસ્તાવેજ અને ઇક્કો ગાડી પડાવી ધમકી આપતાં ખીરસરાના વ્યાજખોર સામે મેટોડા પોલીસ મથકમાં મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મૂળ ઓડિસાના હાલ રાજકોટના પરાપીપળીયા ગામે એકતા સોસાયટીમાં રહેતાં અનાર્ધનભાઇ ભાવેન્દ્રભાઈ ખાંડા ઉ.40એ લોધિકાના ખીરસરા ગામે રહેતા જીતેન્દ્ર અમૃત રત્નોતર સામે મેટોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં.1 માં આવેલ અંજલી પાર્ક સોસાયટીમાં ક્રીષ્ના પ્રોવીઝન સ્ટોર નામે કરીયાણાની દુકાન ચલાવે છે તેની પાસે ઇકો કાર છે પાંચેક મહીના પહેલા તેમની પત્નિ અંજુનો રાજકોટના હોસ્પીટલ ચોક ખાતે અકસ્માત થયો હોય જેથી પૈસાની જરૂર પડતા કરીયાણાની દુકાને આવતા સાગર સાથે વાત કરતા તેણે જીતેન્દ્ર સાથે સંપર્ક કરાવ્યો હતો અને પાંચેક મહિના પહેલા જીતેન્દ્ર પાસેથી 2.75 લાખ 10 ટકા માસીક વ્યાજે લીધા હતા તેના બદલામાં ઇકો કારનું નોટરાઈઝ વેચાણ લખાણ કરાવી તેની આરસી બુક સીક્યોરીટી પેટે આપી હતી દર મહિને 27,500 વ્યાજ ભરતો હતો.
વ્યાજની રકમ આપવામાં મોડુ થાય તો તે પેનલ્ટી લેતા હતા. વ્યાજ તથા પેનલ્ટી સાથે પાંચેક મહીનામાં આશરે 2 લાખ ચૂકવી દીધા હતા ફરીયાદીને ઇકો ગાડીની જરૂર હોય જેથી મામાના દિકરા વિશ્વનાથ ગાંગુલીના નામે 1 લાખની લોન લઈ જીતેન્દ્રના ખીરસરા ખાતેના મકાને આપવા ગયેલ અને તેના બદલામાં ઇકો ગાડી આપવાનું કહેતા આરોપીએ કહેલ કે, તારે અહીંથી જીવતુ જવુ હોય તો, તારા મકાનના તથા દુકાનનો દસ્તાવેજ અને એક કોરો ચેક આપી દે નહીતર તને જીવતો નહી જવા દઉં તેમ કહેતા ખુબ જ ડરી ગયેલ અને ઘરે જઈ એક કોરો ચેક, મકાનના તથા દુકાનના દસ્તાવેજની નકલ લઇ આવી જીતેન્દ્રને આપી દીધી હતી વ્યાજખોરે 1 લાખ પણ લઇ લીધા હતા અને ઇકો ગાડી પણ પરત આપી ન હતી આટલા રૂપીયા આપ્યા હોવા છતા વધારાના 2.75 લાખ તથા 30 હજાર ગીરવે મુકેલ ગાડીના ખર્ચની ઉઘરાણી કરી અને જો નહી આપે તો જાનથી મારી નાખવાની અને મકાન તથા દુકાન પડાવી લેવાની ધમકી આપી તેમજ ચેક બાઉન્સ કરી ખોટી ફરીયાદ કરવાની અને ઘર તથા દુકાન ઉપર કબજો કરવાની ધમકી આપતો હોવાથી અંતે ફરીયાદ નોંધાવતા મેટોડા પીઆઇ શર્મા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



