હાલ મિશ્ર ઋતુ ચાલતી હોવાના લીધે દર્દીઓમાં નોંધપાત્ર વધારો
ફિલ્ડવર્કરો દ્વારા 915 ઘરોમાં ફોગીંગ: જ્યારે ઝાડા-ઉલટીના 167 અને ટાઈફોઈડનો એક કેસ અને કમળાના 4 કેસ નોંધાયા: આ આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોના છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દિવાળી બાદ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેની અસર લોકોના સ્વાસ્થ્ય પર થઈ રહી છે. ત્યારે મિશ્ર ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં ગત અઠવાડિયે ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે. સાપ્તાહિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અનુસાર રાજકોટ શહેરમાં તાવના 730, શરદી-ઉધરસના 804, ઝાડા-ઉલટીના 167, કમળાના 4 જ્યારે ટોઈફોઈડનો 1 દર્દી નોંધાયો છે. જેને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં પાણીમાં ક્લોરીનેશનની ચકાસણી તેમજ ફોગીંગ અને પોરાનાશક કામગીરી ઝડપી કરવામાં આવી છે. જોકે આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો દર્દીનો કુલ આંકડો વધુ હોવાની શક્યતા છે.
રોગચાળા દ્વારા ઊભા થતા આરોગ્ય પડકારને પહોંચી વળવા મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 35826 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તેમજ 915 જેટલા ઘરમાં ફોગીંગ સહિત કામગીરી કરવામાં આવી હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વ્હિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 522 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 285 તો કોર્મશિયલમાં કુલ 126 જેટલા આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મનપાનાં અથાગ પ્રયાસો છતાં પણ પાણીજન્ય રોગચાળો કાબુમાં આવતો નથી. તો લોકોએ પણ સાવચેતી રાખી ઉકાળેલું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમજ બહારના ઠંડાપીણાનો ઉપયોગ બંધ કરવો જોઈએ.
- Advertisement -
તેમજ પીવાના 20 લીટર પાણીમાં ક્લોરીનની 1 ગોળી નાખવી જોઈએ. આ ઉપરાંત પણ પાણીની ટાંકી તેમજ કુવાઓને સાફ અને સ્વચ્છ રાખવા સહિતની તકેદારી રાખવી પણ જરૂરી હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે. તેમજ તહેવારોમાં બહારનો ખોરાક આરોગવાથી લોકો બચે તે જરૂરી છે.



